બિહાર ભાજપના 71 ઉમેદવારોની યાદીમાં વંશવાદ: 11 ઉમેદવારો નેતાના પુત્ર, પુત્રવધૂઓ અથવા પત્ની
પૂર્વ નાયબ મુખ્યમંત્રી સહિત માત્ર નવ મહિલા ઉમેદવારોનો સમાવેશ
ભારતીય જનતા પાર્ટી (ભાજપ), જે અવારનવાર વિપક્ષ પર ભાઈ-ભત્રીજાવાદ અથવા પરિવારવાદનો આરોપ મૂકીને રાજકીય પ્રહારો કરે છે, તેણે બિહાર વિધાનસભા ચૂંટણી 2025 માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરતાં જ આ મુદ્દો ચર્ચામાં આવ્યો છે. પક્ષ દ્વારા જાહેર કરાયેલા કુલ 71 ઉમેદવારોમાંથી, 11 ઉમેદવારો એવા છે જેઓ કોઈ મોટા રાજકીય નેતાના સીધા સગા-સંબંધીઓ છે.
આ આંકડો જાહેર કરાયેલી કુલ ટિકિટોના આશરે 15% જેટલો છે. આ યાદીમાં પૂર્વ મુખ્યમંત્રીના પુત્ર, પૂર્વ કેન્દ્રીય મંત્રીની પુત્રી, અને વર્તમાન ધારાસભ્યોની પત્નીઓ સહિત અનેક હસ્તીઓના પરિવારજનોનો સમાવેશ થાય છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે રાજકીય વારસો ધરાવતા પરિવારોને પણ ભાજપમાં ટિકિટ ફાળવણીમાં પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.
બીજી તરફ 71 ઉમેદવારોની પ્રથમ યાદીમાં માત્ર નવ મહિલાઓને તક અપાઇ છે. ભાજપે બેતિયાથી પૂર્વ નાયબ મુખ્યમંત્રી રેણુ દેવીને ટિકિટ આપી છે. ગાયત્રી દેવીને પરિહાર વિધાનસભા બેઠક માટે પસંદગી કરવામાં આવી છે. દેવંતી યાદવને નરપતગંજની, સ્વીટી સિંહને કિશનગંજ માટે ઉમેદવારી આપવામાં આવી છે. નિશા સિંહને પ્રાણપુર વિધાનસભા બેઠક ફાળવવામાં આવે છે. કવિતા દેવીને કોઈરા અનામત બેઠક, રમા નિષાદને ઔરાઈ બેઠક, અરુણા દેવીને વારસાલીગંજ માટે ઉભા રાખવામાં આવ્યા છે. શ્રેયસી સિંહને જમુઈ વિધાનસભા બેઠક પરથી ફરીથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
આ સાથે પહેલી યાદીમાં નામાંકિત મહિલા ઉમેદવારોની કુલ સંખ્યા નવ થઈ ગઈ છે. પાર્ટીએ રાજ્યના અગ્રણી નેતાઓ સમ્રાટ ચૌધરી, વિજય કુમાર સિંહા, તારકિશોર પ્રસાદ, રેણુ દેવી, પ્રેમ કુમાર, મંગલ પાંડે, કૃષ્ણ કુમાર ઋષિ, રામ નારાયણ મંડલ અને નીતિન નવીનને પણ ઉમેદવાર બનાવ્યા છે. પાર્ટીએ શ્રેયસી સિંહમાં પોતાનો વિશ્વાસ ફરીથી વ્યક્ત કર્યો છે.