તામિલનાડુ વિરોધી રાજ્યપાલના હસ્તે ડિગ્રી સ્વીકારવા સ્કોલરે ના પાડી દેતા ડ્રામા
તમિલનાડુના મનોન્મણિયમ સુંદરનાર યુનિવર્સિટીના 32મા દીક્ષાંત સમારોહમાં એક પીએચડી સ્કોલરે તમિલનાડુના રાજ્યપાલ આર.એન. રવિ પાસેથી પોતાની ડિગ્રી સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. તેમણે રાજ્યપાલ પર તમિલનાડુના હિતોની વિરુદ્ધ કામ કરવાનો આરોપ લગાવ્યો અને યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પાસેથી ડિગ્રી સ્વીકારી.
આ સ્કોલરનું નામ જીન જોસેફ છે. જીન એ માઇક્રો ફાઇનાન્સમાં પીએચડી કર્યું છે. પીએચડી સ્કોલરે કહ્યું કે, મેં જાણી જોઈને રાજ્યપાલની અવગણના કરી છે. આર.એન. રવિ તમિલનાડુ અને અહીંના લોકોની વિરુદ્ધ છે. તેમણે તમિલ લોકો માટે કંઈ કર્યું નથી. હું તેમની પાસેથી મારી ડિગ્રી લેવા નહતી માંગતી.
સમારોહના એક વીડિયોમાં જોઈ શકાય છે કે, તે મુખ્ય મહેમાન તરીકે હાજર રાજ્યપાલને અવગણે છે અને સીધું કુલપતિ એન. ચંદ્રશેખર પાસે જાય છે અને ડિગ્રી લીધા પછી તેમની સાથે ફોટો પડાવે છે. વીડિયોમાં એ પણ જોઈ શકાય છે કે રાજ્યપાલ પહેલા તો તેને ભૂલ માને છે અને ડિગ્રી આપવા માટે હાથ લંબાવે છે. પરંતુ જીનના હાવભાવથી સ્પષ્ટ થઈ ગયું હતું કે આ જાણી જોઈને કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ, રાજ્યપાલ માથું હલાવીને પ્રતિક્રિયા આપે છે.
જીન જોસેફના પતિ રાજન સત્તાધારી દ્રવિડ મુનેત્ર કડ્ગમ (DMK) પાર્ટીના એક પદાધિકારી છે. DMKલાંબા સમયથી રાજ્યપાલ રવિ સાથે સંઘર્ષમાં છે. પાર્ટીનો આરોપ છે કે રાજ્યપાલ વિધાનસભામાં પસાર થયેલા બિલોને મંજૂરી આપવામાં જાણી જોઈને વિલંબ કરે છે અને ચૂંટાયેલી સરકારના કામમાં અવરોધ ઊભો કરે છે અને સમાંતર વહીવટ ચલાવવાનો પ્રયાસ કરે છે. હકીકતમાં, સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારની અરજી પર ચુકાદો આપતા આ સંઘર્ષ વધુ વકર્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, રાજ્યપાલ અને રાષ્ટ્રપતિને આવા મામલે કોઈ સ્વતંત્ર નિર્ણય લેવાનો અધિકાર નથી અને તેમને મંત્રી પરિષદની સલાહ પર કામ કરવું પડશે.