'જ્યાં સુધી અમે ના કહીએ ત્યાં સુધી EVMમાંથી ડેટા ડિલીટ ન કરતાં....' સુપ્રીમ કોર્ટનો ચૂંટણી પંચને મોટો આદેશ
સુપ્રીમ કોર્ટે આજે ઈવીએમ વેરિફિકેશન મુદ્દે નીતિ ઘડવાની માગ કરતી અરજી પર ચુકાદો આપતાં સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચે એવું કહ્યું કે જ્યાં સુધી તેમના દ્વારા કહેવામાં ન આવે ત્યાં સુધી ચૂંટણી પંચે ઈવીએમનો ડેટા ડિલિટ કરવાનો નથી. અને તેમાં નવો ડેટા લોડ કરવો જોઈએ નહીં. વધુમાં તેમણે મત ગણતરી બાદ ઈવીએમની નષ્ટ કરવામાં આવેલી મેમરી અને માઈક્રો કંટ્રોલરની પ્રક્રિયા અંગે રિપોર્ટ રજૂ કરવાની માગ કરી છે.
ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેન્ચે સુનાવણી કરતાં આવો ઓર્ડર આપ્યો હતો. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) દ્વારા EVM ની ચકાસણી અંગે કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી. કોર્ટે કહ્યું કે અમે નથી ઇચ્છતા કે EVM સાથે છેડછાડ થાય, તેથી તેને સુરક્ષિત રાખવો જરુરી છે.
એડીઆરે માગ કરી
એડીઆર વતી હાજર એડવોકેટ પ્રશાંત ભુષણે જણાવ્યું કે, અમે માંગ કરી રહ્યા છીએ કે સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ ECI એ જે પ્રક્રિયા અપનાવવાની જરૂર છે તે તેમના સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોટોકોલ સાથે સુસંગત હોય. અમે ઇચ્છીએ છીએ કે કોઈ વ્યક્તિ EVM ના સોફ્ટવેર અને હાર્ડવેરની તપાસ કરે જેથી તે જોઈ શકે કે સોફ્ટવેર અને હાર્ડવેરમાં કોઈ છેડછાડ થઈ છે કે નહીં. ચૂંટણી પંચને ઈવીએમની મેમરી તથા ગાઈડલાઈન્સ રજૂ કરવાની અરજી કરી છે.
ચીફ જસ્ટિસે ચૂંટણી પંચના અધ્યક્ષ સંજીવ ખન્નાએ સવાલ કર્યો કે, "એકવાર મત ગણતરી થઈ જાય, પછી શું પેપર ટ્રેલ ત્યાં જ હોય કે તેને બહાર કાઢવામાં આવશે?" જેનો જવાબ આપતાં ભૂષણે કહ્યું કે, ઈવીએમને પણ સાચવવાનું હોય છે, જેથી કદાચ પેપર ટ્રેલ તેમાં જ હોવુ જોઈએ. બંને પક્ષોની દલીલો સાંભળ્યા પછી, સુપ્રીમ કોર્ટે અગાઉના આદેશને અનુસરતા કહ્યું કે, "અમે નથી ઈચ્છતા કે, મત ગણતરી દરમિયાન કોઈ ખલેલ પડે (અગાઉના આદેશ દ્વારા). બીજી તરફ અમે ઇચ્છતા હતા કે જો કોઈને શંકા હોય તો એન્જિનિયરિંગની મદદથી જાણી શકાય કે, તેમાં ચેડાં થયા છે કે નહીં.