પૂછ નહીં પ્રેમનો પર્યાય શું હશે...તારા સંગાથથી વિશેષ શું હશે?
આજે 14 ફેબ્રુઆરી એટલે સ્નેહીઓનો ખાસ દિવસ વેલેન્ટાઈન્સ ડે.આજે વસંત પંચમીનો ઉત્સવ પણ છે એટલે જાણે પ્રેમના ઉત્સવમાં વસંત પણ પોતાની સુગંધ અને રંગોની છોળો ઉડાવશે. વેલેન્ટાઇન્સ ડે આવે એટલે વહાલની સાથે વિવાદ પણ આવે પરંતુ આ વિવાદના બદલે સ્નેહનો સંવાદ કરી પ્રેમ,વ્હાલ,લાગણી અને સ્નેહનો સેતુ રચીએ.સમય કોઈપણ હોય સ્નેહની સરિતા એ જ રીતે વહેવાની છે.સમય બદલાય છે પણ સ્નેહના સ્પંદનો એ જ હોય છે. આજે ઉડાનમાં જૂની અને નવી પેઢીની પ્રેમકથા. પાત્રો જુદા પણ સંવેદના એક જ...આપ પણ અનુભવો...
સાથ નિભાના સાથિયાં
‘પ્રેમ કરો તો તેને નિભાવો.આ એવો માર્ગ છે જ્યાં લાલ ગુલાબ આપીને તમે કાંટાળા માર્ગની સફર પસંદ કરો છો.અનેક મુસીબતો આવશે પણ ધીરજ અને મક્કમતાપૂર્વક તેનો સામનો કરો.આ સમયે ફક્ત સ્વાર્થી બનીને પરિવારની ઉપેક્ષા નહીં કરતા બધાને સાથે લઈને ચાલજો.કોઈની લાગણીને ટાઇમપાસ માનીને ઠેસ ન પહોંચાડતા. ‘પ્રેમનો મારગ છે શૂરાનો...’ એમ હિંમત અને સમજણથી આ પ્રેમને પામવાનો પ્રયત્ન કરજો.’ આજે વેલેન્ટાઇન્સ ડે ના દિવસે નવી પેઢીને આ મેસેજ આપી રહ્યા છે જૂની પેઢીના ગણાતા રાજકોટના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહી ચૂકેલા બિપીન અઢિયા અને તેમના પત્ની માલતી અઢિયા.
એંશીના દાયકામાં બનેલ આ પ્રેમ કહાની કોઈ ફિલ્મી વાર્તાથી જરાય કમ નથી.વાતાવરણ આટલું મુક્ત નહોતું.રાજકોટના જાણીતા પેંડા વાળા ગણાતા હરજીવનભાઈ સેજપાલને ત્રણ દીકરા વચ્ચે એક ની એક લાડકી દીકરી એટલે માલતી. તેણીની લાઇફ સ્ટાઇલ કોઈ રાજકુમારી થી કમ નહોતી. શાળાએ ભણવા જવા સાથે હોર્સ રાઇડિંગ, બેડમિન્ટન રમવું, સ્વિમિંગ કરવું, મ્યુઝિક શીખવું, શોપિંગ માટે મુંબઈ જવું, તાજ હોટલમાં જમવું.. આવી જાહોજલાલી વચ્ચે ઉછરેલ દીકરીને ઘરની સામે બિપીન સોપ ફેકટરીમાં આવતા બિપીન અઢિયા નામના યુવક સાથે આંખ મળી, પરિચય કેળવાયો અને પ્રેમ પાંગરતા લગ્ન કરવાનું વિચાર્યું અને ઘરમાં જાણે ભૂકંપ સર્જાયો. લાડકોડમાં ઉછરેલ દીકરીને કોઇ સાધારણ પરિવારમાં આપતા ભાઈઓ અને પિતાજીનું હૃદય કઈ રીતે માને? સમજાવટ, ધાક, ધમકી અને સામ, દામ, દંડ ભેદ દરેકનો ઉપયોગ કર્યો. પોતાની બહેનને છોડી દેવા, શહેરને છોડવા આર્થિક લાલચ આપી, ભાઈના મિત્રો દ્વારા ધમકી આપવામાં આવી પરંતુ દુનિયાદારીની લાલચમાં આવી જાય તો એ સાચો પ્રેમ શેનો? દીકરીને બહાર નીકળવાનું બંધ થયું, કોલેજ વગેરેમાં જાપ્તો મુકાયો,દરેક હીલચાલ ઉપર ચાંપતો બંદોબસ્ત રખાયો પણ પ્રેમનો રંગ એવો ચડ્યો હતો કે કોઈની કારી ફાવી નહીં. અંતે બહેનની જીદ ભાઈઓએ સ્વીકારી અને પ્રેમની જીત થઈ.
લગ્ન કરી આપવામાં આવ્યા પણ ત્યાર પછીનો માર્ગ પણ સરળ નહોતો, રાજમહેલ જેવા ઘરમાંથી સામાન્ય મકાન,નોકર-ચાકરની જગ્યાએ દરેક કામ જાતે કરવાનું આવ્યું બાળકોના જન્મ અને પ્રેમનો રંગ ઉતરતા વાસ્તવિકતાનો સામનો કરવાનું આવ્યું,છતાં દરેક પરિસ્થિતિનો સામનો કર્યો. આ બાબતે માલતીબેન જણાવે છે કે ઘણા ચડાવ-ઉતાર અમે જોયા છે છતાં આજે અમે બંને સાથે છીએ એ મહત્ત્વનું છે. એલઆઇસીની નોકરી કરી આર્થિક રીતે પગભર બનતા બનતા બાળકોમાં દીકરી નિધીને પાઇલોટ બનાવી,દીકરાને પણ ભણાવ્યો. અત્યારે બધા સંઘર્ષો સામે હેપી એન્ડિંગ આવ્યો છે તેની ખુશી છે.પતિની કારકિર્દીમાં પણ ઘણો સાથ આપ્યો છે.આજે પ્રેમના પર્વ વેલેન્ટાઇન ડે પર સ્નેહીજનોને સાચો પ્યાર મુબારક’
તું હૈ તો મુજે ફિર ઔર ક્યા ચાહિયે
‘અમારા બંનેનો પરિચય ઓરફુટ દ્વારા થયો હતો. ઓરકુટ દ્વારા અમે બંને વાતચીત કરતા હતા. ધીમે ધીમે દોસ્તી થઈ. એકબીજાને ગમતાં હતાં પણ એ સમયે વિચાર્યું નહોતું કે એકબીજા સાથે લગ્ન કરીશું. જેમ જોડી ઉપરથી બનાવવામાં આવે છે એ જ રીતે અમારી જોડી પણ ભગવાને બનાવી હશે અને લાઇફના અનેક અપ્સ-ડાઉન્સ બાદ આજે અમે ભેગા છીએ અને હેપી છીએ’. આ શબ્દો છે આર.જે આભાના, જેણે ગત મે માસમાં યુવાનોમાં લોકપ્રિય ફિટનેસ 5 જીમના વિકી શાહ સાથે લગ્ન કર્યા છે. તેમની સ્નેહની સફર રસપ્રદ છે.ઓરકુટ પર મળ્યા બાદ આભાના જણાવ્યા મુજબ નજીકના એરિયામાં રહેતા હોવાથી બંને એકબીજાને મળતા હતા અને ગમતા હતા છતાં બંને પોત પોતાના કામમાં અને જીવનમાં આગળ વધતા રહ્યા. બંનેએ અનેક ચડતી-પડતીનો સામનો કર્યો અને જાણે વિધાતાએ બંનેને મળાવવાનું જ નક્કી કર્યું હોય તેમ ફરી મળ્યા અને આ વખતે ક્યારેય છૂટા ન પડવા માટે મળ્યા. આ વખતનું મળવું અલગ હતું. બંને મેચ્યોર બન્યા હતા, બંનેના કોમન ફ્રેન્ડસ હતા, સાથે આઉટિંગમાં જતા આ સમય દરમિયાન લોકો બંનેની કેમેસ્ટ્રી જોતા અને વિચારતા કે આ બંને સાથે હોવા જોઈએ. જ્યારે વિકી શાહે આભા દેસાઈને પ્રપોઝ કર્યું એ દિવસ વેલેન્ટાઇન થી કમ નહોતો.અંતે ગત વર્ષ બંને પરણી ગયા. આભા છેલ્લા 15 વર્ષથી આર જે તરીકે લોકપ્રિય છે તો વિકી શાહ રિયલ એસ્ટેટમાં પ્રવૃત છે તેમજ જીમ ચલાવે છે.વિકી શાહને આભાની એ વાત ગમે છે કે તે સમજુ, વિશ્વાસુ, મેચ્યોર છે સ્વતંત્રતાપૂર્વક કામ કરે છે તો આભાને વિકી ઓનેસ્ટ છે અને માણસ તરીકે તે સરળ અને સપોર્ટિવ છે પોતાને મોટિવેટ કરે છે તે ગમે છે.બંને પરણી ગયા બાદ લાઇફ હવે કેવી લાગે છે? ના જવાબમાં આભા જણાવે છે કે, ‘જાણે એક ખોજ પુરી થઈ ગઈ હોય એવું લાગે છે. એક સ્થિરતા આવી ગઈ છે હવે અમે બંને એકબીજા સાથે કામ કરીએ છીએ,એક બીજાને પૂછીને કામ કરીએ છીએ,એકબીજાના કામમાં સપોર્ટ કરીએ છીએ. મજાકના મૂડમાં આભા જણાવે છે કે,’ જેટલો પ્રેમ કરીએ છીએ એટલા જ ઝઘડા પણ કરીએ છીએ પણ સમય અને સંજોગો મુજબ બે માંથી એક નમતું જોખે અને સુલેહ થઈ જાય છે’. આજના વેલેન્ટાઈન્સ ડે નો મેસેજ આપતા બંને જણાવે છે કે, ‘પ્રેમની સફરમાં ઉતાર-ચડાવ આવે, ઝઘડા પણ થાય ડીફ્રન્સ ઓફ ઓપિનિયન થાય પણ મગજ ઉપર કંટ્રોલ રાખીને ધીરજ રાખીએ તો સંબંધ ચોક્કસ જળવાઈ રહે છે.’