પ્રોવોગ ઇન્ડિયામાં ઘરના જ ઘાતકી: કંપની ઓછી કિંમતે ખરીદવા ચાલબાજી કરનારા પૂર્વ ડિરેકટર સહિત 4 સામે કેસ
મુંબઇ પોલીસની આર્થિક અપરાધ શાખા (EOW)એ કપડા અને લાઇફસ્ટાઇલ કંપની પ્રોવોગ ઇન્ડિયા લિમીટેડમાં કથિત 90 કરોડ રૂૂપિયાની છેતરપીંડીના મામલે પૂર્વ ડિરેક્ટર સહિત ચાર લોકો સામે કેસ દાખલ કર્યો છે. અંદરના લોકોએ જ બહારના ખરીદારો સાથે મળીને કંપનીની અસલ કિંમતમાં ભારે ઘટાડો દેખાડવાનું કાવતરુ ઘડ્યું હતું, જેથી તેને અત્યંત ઓછા ભાવે ખરીદી શકાય.
મુંબઈ સ્થિત પ્રોવોગ ઈન્ડિયા લિમિટેડ પુરુષો અને મહિલાઓના વસ્ત્રો, એસેસરીઝ અને સામાન સહિત વિવિધ ઉત્પાદનોનું ઉત્પાદન અને વેચાણ કરે છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે આરોપીઓની ઓળખ કંપનીના ભૂતપૂર્વ ડિરેક્ટર રાકેશ રાવત, ભૂતપૂર્વ કર્મચારી સમીર ખંડેલવાલ, રિઝોલ્યુશન પ્રોફેશનલ અમિત ગુપ્તા, નવા ખરીદનાર અર્પિત ખંડેલવાલ, પ્લુટસ ઇન્વેસ્ટમેન્ટ્સ એન્ડ હોલ્ડિંગ લિમિટેડ અને અન્ય તરીકે કરવામાં આવી છે.
એક અધિકારીએ જણાવ્યું હતું કે આરોપીઓએ સાથે મળીને કાવતરું ઘડ્યું હતું અને કંપનીની સંપત્તિનું કથિત રીતે ઓછું મૂલ્યાંકન કર્યું હતું અને ખંડેલવાલ કંપની ખરીદી શકે તે માટે તેનું બજાર મૂલ્ય ઘટાડવા માટે જાણી જોઈને હરાજી પ્રક્રિયામાં બે વર્ષ સુધી વિલંબ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે આરોપીએ વ્યક્તિગત લાભ માટે ગ્રાહકો (દેવાદારો) પાસેથી બાકી રકમ રોકી રાખી હતી.
તેમણે કહ્યું કે પ્રોવોગ ઈન્ડિયા લિમિટેડના ભૂતપૂર્વ મેનેજિંગ ડિરેક્ટર 55 વર્ષીય નિખિલ ચતુર્વેદીએ આ સંદર્ભમાં ફરિયાદ નોંધાવી હતી. આ કાવતરું 2018 અને 2023ની વચ્ચે રચાયું હતું. એવો આરોપ છે કે કંપનીની બગડતી નાણાકીય સ્થિતિનો લાભ લઈને તેને જાણી જોઈને કરવામાં આવેલી રણનીતિ દ્વારા નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. આરોપીઓ પર છેતરપિંડી, ગુનાહિત વિશ્વાસ ભંગ અને ગુનાહિત કાવતરું ઘડવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.