ડિવોર્સી મુસ્લિમ મહિલાઓને દહેજ પરત મેળવવાનો અધિકાર: સુપ્રીમ
આવી વસ્તુઓને મહિલાઓની મિલકત માનવામાં આવવી જોઇએ
ડિવોર્સી મુસ્લિમ મહિલાઓ અંગે સુપ્રીમ કોર્ટે ગઇકાલેે મોટો ચુકાદો આપ્યો અને કહ્યું કે તલાકશુદા મુસ્લિમ મહિલા, લગ્ન વખતે તેના માતા-પિતા દ્વારા તેને અથવા તેના પતિને આપેલા રોકડા, સોના અને અન્ય વસ્તુઓ કાનૂની રીતે પરત મેળવવાની હકદાર છે. કોર્ટે આ પણ કહ્યું કે આવી વસ્તુઓને મહિલાની મિલકત માનવામાં આવવી જોઈએ અને લગ્ન પૂર્ણ થઈ જાય એટલે કે ડિવોર્સ થઈ જાય તો તેને પરત કરવી જોઈએ.
ન્યાયમૂર્તિ સંજય કરોલ અને ન્યાયમૂર્તિ એન. કોટીશ્વર સિંહની પીઠે કહ્યું કે મુસ્લિમ મહિલા (તલાક પર અધિકારોનું રક્ષણ) અધિનિયમ, 1986ના પ્રાવધાનોની વ્યાખ્યા એવી રીતે કરવામાં આવે કે સમાનતા અને સ્વાયત્તતાનું બંધારણીય વચન પૂરું થાય, નહીં કે તેને માત્ર નાગરિક વિવાદના દૃષ્ટિકોણથી જોવામાં આવે.
પીઠે કહ્યું કે આ અધિનિયમના નિર્માણમાં સમાનતા, આદર અને સ્વાયત્તતાને સર્વોપરિ રાખવી જોઈએ. આ પણ કહેવામાં આવ્યું કે તેને મહિલાઓના અનુભવોના પ્રકાશમાં કરવું જોઈએ, જ્યાં ખાસ કરીને નાના શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાં પિતૃસત્તાક ભેદભાવ હજુ પણ સામાન્ય વાત છે.
પીઠે કહ્યું કે ભારતનું બંધારણ બધા માટે એક આકાંક્ષા, એટલે કે સમાનતા, નક્કી કરે છે, જે સ્પષ્ટ રીતે હજુ સુધી હાંસલ થઈ નથી. આ દિશામાં તેમનો યોગદાન આપતા, કોર્ટોને સામાજિક ન્યાયના નિર્ણયો પર આધારિત તર્ક આપવો જોઈએ. 1986ના અધિનિયમની કલમ 3નો ઉલ્લેખ છે, જે સ્પષ્ટ રીતે તલાકશુદા મુસ્લિમ મહિલાને તેના સંબંધીઓ કે મિત્રો અથવા પતિ કે પતિના કોઈ સંબંધી કે તેના મિત્રો દ્વારા લગ્ન પહેલાં કે લગ્ન વખતે કે લગ્ન પછી આપેલી બધી મિલકતોનો હકદાર બનાવે છે.