ચૂંટણીમાં પૈસા વહેંચવા એ વિકાસ નથી: ભાજપ નેતા જોશીનું સૂચક નિવેદન
મોટા રાજ્યોમાંથી નાના રાજ્યો બનાવી આર્થિક ભેદભાવ દૂર કરવા સૂચન
ગુરુવારે ભારતના પૂર્વ ચૂંટણી કમિશનર અને કાયદા સચિવ જી.વી.જી. કૃષ્ણમૂર્તિની 91મી જયંતિ નિમિત્તે આયોજિત એક કાર્યક્રમમાં સંબોધન કરતાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીએ ભેદભાવ દૂર કરવાના ઉપાય તરીકે એક સૂચન આપ્યું. તેમણે કહ્યું કે, વર્તમાન રાજ્યોમાંથી નાના રાજ્યો બનાવવા જોઈએ, જેમાં દરેક રાજ્યમાં મતવિસ્તારોની સંખ્યા અને વસ્તી લગભગ સમાન હોય.
મુરલી મનોહર જોશીએ બંધારણની મૂળ ભાવના પર ભાર મૂક્યો અને સ્પષ્ટ કર્યું કે વિકાસનો અર્થ ચૂંટણીઓમાં પૈસા વહેંચવો નથી. તેમણે જણાવ્યું કે, દેશમાં આર્થિક અસમાનતા હવે સૌથી મોટો ભેદભાવ બની ચૂકી છે અને કલ્યાણકારી(લોક કલ્યાણ) કાર્યો ચૂંટણી દરમિયાન પપૈસા વહેંચીને કરી શકાતા નથી.
પૂર્વ કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, દરેક નાગરિકને મતદાનનો સમાન અધિકાર મળેલો છે, તેમ છતાં કર્ણાટક, બિહાર અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોમાં રહેતા લોકોની આર્થિક શક્તિમાં મોટો તફાવત જોવા મળે છે. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે, શું રણપ્રદેશ, પહાડી વિસ્તારો કે પૂર્વોત્તરમાં વસતા વ્યક્તિની આર્થિક શક્તિ કર્ણાટકમાં રહેતા વ્યક્તિ જેટલી સમાન ગણી શકાય?