બ્રહ્માંડના પ્રારંભિક તબકક્ામાં રચાયેલા તારાવિશ્ર્વની શોધ
પુણે સ્થિત ભારતીય સંશોધકોએ એક વિરાટ ગેલેક્સીની શોધ કરી છે, જે ત્યારે અસ્તિત્વમાં હતી જ્યારે બ્રહ્માંડની ઉંમર માત્ર 1.5 અબજ વર્ષની હતી. આ ગેલેક્સીની વિશેષતાઓ બ્રહ્માંડના પ્રારંભિક સમયગાળામાં તારાવિશ્વો (ગેલેક્સીઓ)ની રચના કેવી રીતે થઈ, તેની હાલની સમજને પડકાર આપે છે. ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ (TIFR)ના નેશનલ સેન્ટર ફોર રેડિયો એસ્ટ્રોફિઝિક્સ (NCRA)ના પ્રોફેસર યોગેશ વાડદેકરના માર્ગદર્શન હેઠળ પીએચડીના વિદ્યાર્થી રાશિ જૈન દ્વારા આ સંશોધન કરવામાં આવ્યું છે.
આ નવી શોધાયેલી ગેલેક્સીને હિમાલયની નદી પરથી અલકનંદા નામ આપવામાં આવ્યું છે. સામાન્ય ધારણા એવી છે કે બ્રહ્માંડના પ્રારંભિક તબક્કામાં બનેલી ગેલેક્સીઓ અસ્થિર, અસ્તવ્યસ્ત અને ઓછી-વ્યવસ્થિત હોવી જોઈએ. જોકે, અલકનંદા તારાવિશ્વ આપણાં મિલ્કી વે (આકાશગંગા)ની જેમ જ અદભુત રીતે સારી રીતે વ્યાખ્યાયિત સર્પાકાર (સ્પાઇરલ) માળખું ધરાવે છે. આ ગેલેક્સીમાં બે સ્પષ્ટ સર્પાકાર ભુજાઓ (spiral arms) એક તેજસ્વી કેન્દ્રીય બલ્જની આસપાસ વીંટળાયેલી છે, જેનો વ્યાસ લગભગ 30,000 પ્રકાશ-વર્ષ જેટલો છે. રાશિ જૈને જણાવ્યું કે, બ્રહ્માંડની વર્તમાન ઉંમરના માત્ર 10% સમયે હાજર હોવા છતાં, આ ગેલેક્સી આપણી આકાશગંગા જેવી જ દેખાય છે, જે આ શોધને થોડી અનપેક્ષિત બનાવે છે.