‘કૂત્તે કી મોત મરા’ બાબા સિદ્કીના મોતનો મલાજો ભૂલ્યો કમાલ ખાન?
વિવાદ થતાં એકટરે કહ્યું હું રાવણના મોતની વાત કરતો હતો
હત્યાનો ભોગ બનેલા એનસીપી લીડર બાબા સિદ્દીકી પર ખૂબ વાંધાજનક ટ્વિટ કરીને એક્ટર કમાલ આર ખાન વિવાદમાં આવ્યો છે. કમાલ ખાને કોઈનું નામ લીધા વગર એવું ટ્વિટ કર્યું કે જેવું વાવો તેવું લણો, કોણ જાણે કેટલા લોકોની મિલકત પચાવી પાડી હતી. કૂતરાના મોત માર્યો ગયો. આજે ઘણા લોકોને રાહત મળી હશે.
કમાલ આર ખાને ભલે આ ટ્વીટમાં બાબા સિદ્દીકીનું નામ નથી લીધું પરંતુ તેને બાબા સિદ્દીકી સાથે જોડીને જોવાઈ રહ્યું છે. લોકો તેને ટ્રોલ કરવા લાગ્યા. એક યુઝરે લખ્યું કે, કેઆરકેને ક્યારેય બાબા સિદ્દીકીએ પોતાના કાર્યક્રમમાં આમંત્રિત કર્યા ન હતા, તેથી જ તે આજે બોલી રહ્યો છે. સલાહ આપતી વખતે અન્ય એક યુઝરે લખ્યું, રશીદ ભાઈ, કોઈનું મૃત્યુ થાય ત્યારે આવી વાત ન કરો. તે વધુ ખરાબ હોઈ શકે છે, પરંતુ મૃત્યુ ખૂબ જ પીડાદાયક છે.
ટ્રોલ થયા બાદ કમાલ આર ખાને ખુલાસો કર્યો અને કહ્યું કે કોઈપણ પુરાવા વિના મારા પર આરોપ લગાવવા બદલ તમારે થોડી શરમ અનુભવવી જોઈએ. મેં એવું બિલકુલ કહ્યું નથી. હું માત્ર રાવણના મૃત્યુની વાત કરી રહ્યો હતો.