મહાકુંભમાં જતાં શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત: પ્રયાગરાજમાં બસ-બોલેરો વચ્ચે ટક્કર થતાં છત્તીસગઢના 10 લોકોના મોત
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી છે. પ્રયાગરાજમાં એક બોલેરો અને બસ વચ્ચે ભીષણ ટક્કરમાં 10 શ્રદ્ધાળુઓના મોત નીપજ્યાં હતા જ્યારે અન્ય 19 લોકો ઈજાગ્રસ્ત થયાં છે. આ અકસ્માત પ્રયાગરાજ-મિર્ઝાપુર હાઇવે પર થયો હતો.
આ અકસ્માત પ્રયાગરાજ મિરઝાપુર હાઈવે પર સર્જાયો હતો. અકસ્માતને પગલે સ્થળ પર અરેરાટી ફેલાઈ ગઈ હતી. માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ અકસ્માતમાં 19 શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે, તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. છત્તીસગઢના કોરબાથી શ્રદ્ધાળુઓ સંગમમાં સ્નાન કરવા મહાકુંભ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન જ મોટો અકસ્માત સર્જાયો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર બોલેરોમાં મુસાફરી કરી રહેલા તમામ 10 શ્રદ્ધાળુઓ અકસ્માતનો ભોગ બન્યા હતા. તે જ સમયે, બસમાં મુસાફરી કરી રહેલા 19 લોકોને ગંભીર ઈજાઓ થઈ હતી. બસ અને બોલેરો વચ્ચે ભીષણ ટક્કર થઈ હતી. પોલીસે મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. અકસ્માત એટલો ગંભીર હતો કે બોલેરો અને કારના ટુકડા થઈ ગયા હતા. વાહનમાંથી મૃતદેહ બહાર કાઢવા માટે પોલીસે ભારે જહેમત ઉઠાવવી પડી હતી.
મળતી માહિતી મુજબ છત્તીસગઢના કોરબા જિલ્લાના શ્રદ્ધાળુઓ બોલેરો કારમાં સંગમ સ્નાન માટે પ્રયાગરાજમાં મહાકુંભ મેળામાં જઈ રહ્યા હતા. રાત્રે લગભગ 2 વાગે જ્યારે તેમની કાર પ્રયાગરાજ-મિર્ઝાપુર હાઈવે પર મેજા પોલીસ સ્ટેશન વિસ્તારના મનુના પુરા ગામ પાસે પહોંચી ત્યારે સામેથી આવતી બસ સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે તેનો અવાજ દૂર સુધી સંભળાયો હતો. અથડામણ બાદ બોલેરો કારને ભારે નુકસાન થયું હતું. અકસ્માત બાદ ઘટનાસ્થળે અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો.
પોલીસને અકસ્માતની જાણ થતાં જ તે ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે તરત જ જેસીબી બોલાવીને લોકોને બહાર કાઢ્યા હતા, પરંતુ આ અકસ્માતમાં બોલેરોમાં સવાર તમામ 10ના મોત થયા હતા. આ અકસ્માતમાં બસમાં મુસાફરી કરી રહેલા 19 લોકો ઘાયલ થયા છે. તેમને રામનગરના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. બસમાં મુસાફરી કરી રહેલા શ્રદ્ધાળુઓ મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના રહેવાસી છે. તેઓ મહાકુંભમાંથી વારાણસી જઈ રહ્યા હતા. પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે.