વાયનાડમાં કુદરતના કહેરની ભયાવહ સેટેલાઈટ તસવીરો જાહેર
મૃત્યુઆંક 308એ પહોંચ્યો, સેનાએ 16 કલાકમાં બેલી બ્રિજ બનાવ્યો, રાહત-બચાવકાર્ય હજુ જારી
કેરળના વાયનાડમાં ભયાનક ભૂસ્ખલનમાં અત્યાર સુધીમાં 308 લોકોના મોત થયા છે. હજુ સેના દ્વારા બચાવ-રાહત કામગીરી ચાલી રહી છે. મૃત્યુઆંક વધવાની સંભાવના છે. દરમિયાનમાં આ ઘટનાની દિલ દહેલાવનારી સેટેલાઈટ તસ્વીરો પણ ઈસરોએ જાહેર કરી છે. વાયનાડમાં ભારે વરસાદને કારણે જમીન ધસવાની ઘટનામાં મોટી જાનહાનિ થઈ છે. ચાર ગામો સંપૂર્ણપણે કાટમાળમાં સમેટાઈ ગયા છે અને ત્યાં કંઈ બચ્યું નથી. આ વિનાશની સેટેલાઇટ ઇમેજ સામે આવી છે.
ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એટલે કે ઇસરોએ સેટેલાઇટ ઇમેજ જારી કરી છે. આ ઉપરાંત આ ભયાનક દુર્ઘટના અંગે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. ઈસરોએ 1 ઓગસ્ટ ગુરુવારે ભૂસ્ખલન વિસ્તારનો સર્વે કર્યો છે.
સેટેલાઇટ ડેટાના આધારે કરાયેલા મૂલ્યાંકનથી જાણવા મળ્યું છે કે, ભૂસ્ખલનમાં અંદાજે 86 હજાર ચોરસ મીટર વિસ્તાર કાટમાળમાં ફેરવાઈ ગયો છે. વાયનાડમાં જે વિસ્તાર ભૂસ્ખલનથી પ્રભાવિત થયો છે તે એટલો મોટો છે કે આ વિસ્તારમાં 13 થી વધુ આંતરરાષ્ટ્રીય ફૂટબોલ મેદાનો બની શકે. હૈદરાબાદમાં નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટર (NRSC)એ વિનાશને પકડવા માટે 31 જુલાઈના રોજ ઈસરોના અદ્યતન કાર્ટોસેટ-3 ઓપ્ટિકલ ઉપગ્રહ અને RISAT-2Bઉપગ્રહને તૈનાત કર્યા હતા. સેટેલાઇટ દ્વારા લેવામાં આવેલી તસવીરોના આધારે ઈસરોના વિશ્ર્લેષણમાં જણાવાયું છે કે ભૂસ્ખલન દરિયાની સપાટીથી લગભગ 1500 મીટરની ઉંચાઈએ થયું છે.
ભૂસ્ખલનને કારણે કાદવ, મોટા પથ્થરો અને ઉખડી ગયેલા વૃક્ષો લગભગ 8 કિમી સુધી ચાલીને અંતે ઉપનદી ચેલિયાર નદીમાં પહોંચ્યા. અહેવાલો અનુસાર, વહેતા કાટમાળની ઝડપી ગતિએ ઇરાવની ફુઝર નદીનો માર્ગ પહોળો કર્યો છે, જેના કારણે તેના કાંઠા તુટી ગયા છે. નદી કિનારે આવેલા મકાનોને વ્યાપક નુકસાન થયું છે. સેટેલાઇટ ડેટામાંથી તે જ સ્થળે જૂની ભૂસ્ખલન પણ જોવા મળી છે. ઈસરો દ્વારા જાહેર કરાયેલી તસવીરો દર્શાવે છે કે 30 જુલાઈના રોજ જે ભૂસ્ખલન થયું હતું તે 2020માં થયું હતું. પરંતુ આ વખતે ઘણું મોટું અને વધુ ભયાનક હતું.
કેરળના વાયનાડમાં ભયાનક દુર્ઘટના બાદ ભારતીય સેનાએ રાહત અને બચાવ કામગીરીનું નેતૃત્વ કર્યું હતું. ગુરુવારે, સૈનિકોએ રેકોર્ડ સમયમાં ભૂસ્ખલન સ્થળ નજીક નદી પર બેલી બ્રિજનું બાંધકામ પૂર્ણ કર્યું હતું. વાયનાડથી સામે આવેલા એક વીડિયોમાં સેનાના જવાનો પભારત માતા કી જયથના નારા લગાવતા જોવા મળે છે.
ભારતીય સેનાએ રેકોર્ડ સમયમાં આ પુલનું નિર્માણ પૂર્ણ કર્યું છે. સીએલ 24 બેલી બ્રિજ ઈરુવાનીપઝા નદી પર ચૂરલમાલાને મુંડક્કાઈથી જોડે છે. આ પુલ વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે અને તેને સિવિક એડમિનિસ્ટ્રેશનને સોંપી દેવામાં આવ્યો છે. આ પુલ પરથી 24 ટન વજનનું વાહન લઈ જઈ શકાય છે. સેનાએ જણાવ્યું કે આ પુલ 190 ફૂટ લાંબો છે. પરંપરા મુજબ કમાન્ડર સૌ પ્રથમ પુલ પર ગયા હતા. વાયનાડ ભૂસ્ખલન સ્થળ પર બેલી બ્રિજનું બાંધકામ 16 કલાકની અંદર સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ આર્મીના જવાનોએ ભારત માતા કી જયના નારા લગાવ્યા હતા.