દિલ્હીમાં ગાઢ ધુમ્મસ, વાહન વ્યવહારને અસર, 24 ટ્રેનો મોડી
જાન્યુઆરી શરૂૂ થતાંની સાથે જ દિલ્હીમાં ધુમ્મસ છવાયો છે, પરંતુ આજે એટલે કે 3 જાન્યુઆરીએ સિઝનનું સૌથી વધુ ધુમ્મસ જોવા મળ્યું હતું. પરિસ્થિતિ એવી છે કે રસ્તા, વૃક્ષો અને છોડ બધું જ ધુમ્મસની ચાદરમાં દટાઇ ગયુ છે. સામેથી ચાલતા વાહનને જોવું પણ મુશ્કેલ બની રહ્યું છે.
હાઈવે જેવા વિસ્તારોમાં ખૂબ ગાઢ ધુમ્મસ છે. જોકે, રહેણાંક વિસ્તારોમાં થોડી રાહત છે. સવારે 6 વાગ્યાની આસપાસ એટલું બધું ધુમ્મસ હતું કે રસ્તા પર આવતા વળાંકનો અંદાજ લગાવવો મુશ્કેલ હતો. ધુમ્મસના કારણે ટ્રેનોની ગતિ ધીમી પડી છે અને ફ્લાઈટને પણ અસર થઈ શકે છે. જોકે, દિલ્હી એરપોર્ટનું કહેવું છે કે વિઝિબિલિટી ઘણી ઓછી છે, જોકે અત્યાર સુધી તમામ ફ્લાઈટ્સ સમયસર ચાલી રહી છે. પરંતુ મુસાફરોએ તેમની મુસાફરી અંગે એરલાઈન્સ પાસેથી માહિતી લેતા રહેવું જોઈએ.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં આજે ખૂબ જ ગાઢ ધુમ્મસ રહેશે અને લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી અને મહત્તમ તાપમાન 17 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે. દિલ્હીમાં આગામી દિવસોમાં ઠંડી વધી શકે છે. જાન્યુઆરીમાં તીવ્ર ઠંડી પડવાની ધારણા છે. વિભાગનું એમ પણ કહેવું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર સપ્તાહના અંતમાં દિલ્હીમાં જોવા મળી શકે છે, જેના કારણે ઘણા વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. આ સમયગાળા દરમિયાન લઘુત્તમ તાપમાનમાં પણ વધારો થઈ શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હિમાચલમાં 4 થી 7 જાન્યુઆરી સુધી હિમવર્ષા અને 5 અને 6 જાન્યુઆરીએ ભારે વરસાદની સંભાવના છે. હિમાચલ ઉપરાંત વિવિધ વિસ્તારોમાં ખાસ કરીને જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ-બાલ્ટિસ્તાન અને મુઝફ્ફરાબાદમાં 5 જાન્યુઆરીએ ભારે હિમવર્ષા થવાની સંભાવના છે. ઉપરાંત, 4 થી 6 જાન્યુઆરી દરમિયાન દિલ્હી સહિત ઉત્તરીય મેદાનોમાં હળવા વરસાદની સંભાવના છે.