દિલ્હી સ્વામિ. અક્ષરધામની મુલાકાત લેતા મોંગોલિયાના રાષ્ટ્રપ્રમુખ
મોંગોલિયાના રાષ્ટ્રપ્રમુખ હિઝ એક્સેલન્સી ઉખનાગીન ખુરલસુખ (Ukhnaagiin Khrelskh) એ ભારતની તેમની સત્તાવાર મુલાકાત દરમિયાન નવી દિલ્હી ખાતે આવેલા સ્વામિનારાયણ અક્ષરધામની મુલાકાત લીધી હતી. તેમની સાથે વિદેશ મંત્રી બત્સેત્સેગ બત્મુંખ (Battsetseg Batmunkh) સહિત મોંગોલિયાના પ્રતિનિધિમંડળના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા.
રાષ્ટ્રપતિ ખુરલસુખનું અક્ષરધામમાં વરિષ્ઠ સંતો દ્વારા ભારતીય પરંપરા મુજબ સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે મંદિરમાં દર્શન કર્યા બાદ ભગવાન સ્વામિનારાયણના કિશોર સ્વરૂૂપ નીલકંઠવર્ણીની મૂર્તિ પર અભિષેક કર્યો હતો. આ પ્રસંગે તેમણે વૈશ્વિક શાંતિ, સંવાદિતા અને બંને રાષ્ટ્રોની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.
BAPS સંસ્થાના આધ્યાત્મિક વડા મહંત સ્વામી મહારાજ તરફથી રાષ્ટ્રપ્રમુખને એક આશીર્વાદ પત્ર પાઠવવામાં આવ્યો હતો. અક્ષરધામની અનુભૂતિ વિશે રાષ્ટ્રપ્રમુખ ખુરલસુખે જણાવ્યું: આજે, ભારતીય લોકોની આધ્યાત્મિકતા, ધર્મ, જીવનશૈલી, પરંપરાઓ, ઇતિહાસ અને સંસ્કૃતિને પ્રતિબિંબિત કરનારા આ અદ્ભુત મંદિરની મુલાકાત લેતા હું ખૂબ જ આનંદિત છું. આ ખરેખર એક એવું મંદિર છે, જે ભારતીય લોકોની ઊંડી આધ્યાત્મિકતાનું પ્રતીક છે.
અક્ષરધામની આ મુલાકાત અને આધ્યાત્મિક અનુભૂતિ માટે તેમજ મહંત સ્વામી મહારાજના આશીર્વાદ અને પ્રાર્થનાઓ પ્રત્યે તેમણે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે આધ્યાત્મિકતા અને સદ્ભાવનાના પ્રતીકરૂૂપ આવી મુલાકાત મોંગોલિયા અને ભારત વચ્ચેના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક સંબંધોને વધુ મજબૂત બનાવશે.