દિલ્હીનું દંગલ: ભાજપ-‘આપ’ વચ્ચે મરણિયો જંગ
વિધાનસભાની ચૂંટણીમાં વિજયની હેટ્રિકનો કેજરીવાલ સામે પડકાર, 26 વર્ષ બાદ સત્તા વાપસી માટે ભાજપની લડત
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ-રાહુલ ગાંધી-કેજરીવાલ-રાજ્યપાલ સક્સેના સહિતના વી.વી.આઈ.પી.ઓનું મતદાન
70 બેઠકો ઉપર 699 ઉમેદવારોના ભાવિનું કાઉન્ટ-ડાઉન, શનિવારે ચૂંટણી પરિણામો ઉપર દેશભરની નજર
દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાટે આજે 70 બેઠકો પર સવારે 7 વાગ્યાથી મતદાન ચાલુ થયું છે. 1.56 કરોડ મતદાતા આજે 699 ઉમેદવારોનું ભાવી નક્કી કરી રહ્યા છે. આ હાઈવોલ્ટેજ જંગમાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે સિધ્ધો મુકાબલો છે. કેજરીવાલ માટે સતત ત્રીજી વખત દિલ્હી સરકાર રચવાનો પડકાર છે. જ્યારે ભાજપ માટે 26 વર્ષ બાદ સત્તા વાપસી કરવાનું સ્વપ્ન છે. આજે સવારથી જ અનેક રાજકીય દિગ્ગજ નેતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જેમાં રાષ્ટ્રપતિ દ્રૌપદિ મુર્મુ, દિલ્હીના રાજ્યપાલ શકસેના, કોંગ્રેસના લોકસભાના વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધી, દિલ્હીના મુખ્યમંત્રી અતિષિ, વિદેશ મંત્રી એસ જયશંકર સહિતના નેતાઓએ મતદાન કર્યુ હતું.
દિલ્હીની 70 વિધાનસભા બેઠકો માટે કુલ 13,766 મતદાન મથકોમાં મતદાન ચાલુ થયું છે. આ ચુંટણી રાજધાનીની રાજકીય પરિસ્થિતિને નવો આકાર આપી શકે છે. અરવિંદ કેજરીવાલના નેતૃત્વ હેઠળની આમ આદમી પાર્ટી તેના રેકોર્ડ અને કલ્યાણકારી યોજનાઓના આધારે ત્રીજી વખત સત્તા મેળવવાનો પ્રયાસ કરી રહી છે. બીજી તરફ ભાજપ 25 વર્ષથી વધુ સમયથી સત્તાની બહાર છે અને જીતવા માટે ખૂબ જ પ્રયાસ કરી રહી છે. જ્યારે આમ આદમી પાર્ટી પહેલા કોંગ્રેસ પાર્ટી 15 વર્ષ સુધી સત્તામાં હતી પરંતુ છેલ્લી બે ચૂંટણીઓમાં પાર્ટી એક પણ બેઠક જીતી શકી નથી.
આ ચૂંટણીના પ્રચારમાં ભાજપ, આપ અને કોંગ્રેસ દ્વારા ભારે આક્ષેપ-પ્રતિઆક્ષેપો અને અનેક રેવડીઓ (ચૂંટણીની જાહેરાતો) વહેંચી હતી. આમ આદમી પાર્ટીએ તેના કાર્યરેકોર્ડના આધારે મત માંગ્યા હતા. ભાજપવતી વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ, પાર્ટી અધ્યક્ષ જે.પી. નડડ્ડા સહિતના દિગ્ગજ નેતાઓના નેતૃત્વમાં દિલ્હીમાં ભ્રષ્ટાચારના આરોપો અને કાયદો દેશ વ્યવસ્થાના મુદ્દે આમ આદમીપાર્ટીને ઘેરી હતી.
કોંગ્રેસ તરફથી રાહુલગાંધી અને પ્રિયંકા ગાંધીઅ ેઅનેક મુદ્દા પર આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીને ઘેરી હતી. આ ચૂંટણીમાં શિશ મહેલ યમુનામાં ઝેર, મફત બસ સેવા, પુજારીઓ માટે માસીક 18 હજાર રૂપિયાની સહાય, 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર, સગર્ભા મહિલા માટે મહિને 21 હજાર, 8,500 રૂપિયાનું બેરોજગારી ભથ્થુ સહિતના મુદ્દાઓની ભરમાર રહી હતી. દિલ્હી વિધાનસભા ચૂંટણીનું પરિણામ શનિવાર તા. 8 ફેબ્રુઆરીના રોજ જાહેર થશે.
યમુનાના પાણીમાં ઝેરનો આક્ષેપ કરનારા કેજરીવાલ સામે કેસ
દિલ્હી વિધાનસભા ચૂંટણીની પૂર્વ સંધ્યાએ આપના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ હરિયાણામાં કેસ નોંધવામાં આવ્યો છે. વાસ્તવમાં, આ કેસ અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ યમુનાના પાણીને ઝેરી બનાવવાના તેમના નિવેદનને લઈને દાખલ કરવામાં આવ્યો છે. હરિયાણાના શાહબાદ પોલીસ સ્ટેશનમાં અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ ઋઈંછ નોંધવામાં આવી છે. જગમોહન મનચંદા નામના વ્યક્તિએ કેજરીવાલ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. પોલીસે કેજરીવાલ વિરુદ્ધ રાષ્ટ્રીય કાયદાની કલમ 192, 196(1), 197(1), 248(ફ), 299 હેઠળ કેસ નોંધ્યો છે.
આંગળી પર શાહી લગાવવા દરેકને રૂા. 500 ચૂકવાયા : સંજયસિંહનો આક્ષેપ
દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે આજે મતદાન થઈ રહ્યું છે. આ દરમિયાન, AAPના રાજ્યસભા સાંસદ સંજયસિંહે એક ચોંકાવનારો વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં બે યુવાનો દાવો કરી રહ્યા છે કે તેમની આંગળી પર કાળી શાહી લગાવવામાં આવી છે. આ ઉપરાંત તેમને 500 રૂૂપિયા પણ આપવામાં આવ્યા છે. આવા ફક્ત 2 નહીં પણ 200 કેસ છે. દરેકને 500 રૂૂપિયા આપવામાં આવ્યા છે અને તેમના પર કાળી શાહી લગાવવામાં આવી છે. આપ સાંસદ સંજય સિંહે ટ્વિટર પર વીડિયો શેર કર્યો અને લખ્યું, ભાઈઓ, ગાંધીનગરમાં રમત શરૂૂ થઈ ગઈ છે, મતદાન કર્યા વિના મતદાન થઈ ગયું છે. ભાજપના ગુંડાઓએ આંગળી પર શાહી લગાવી. શું ચૂંટણી પંચને આ બધું દેખાતુ નથી?
આતિશીના કાર્યાલયનો કર્મચારી પાંચ લાખની રોકડ સાથે ઝડપાયો
દિલ્હીમાં મુખ્યમંત્રી આતિશીના કાર્યાલય સાથે સંબંધિત એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. મુખ્યમંત્રી કાર્યાલયમાં મલ્ટી-ટાસ્કિંગ સ્ટાફ (ખઝજ) તરીકે કામ કરતા ગૌરવને પોલીસે 5 લાખ રૂૂપિયા રોકડા સાથે પકડ્યો છે. આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે એક ખાનગી કારની તપાસ દરમિયાન આટલી મોટી રકમ રોકડ મળી આવી. ગૌરવે જણાવ્યું કે તે સીએમ આતિશીની ઓફિસમાં કામ કરે છે. કારમાં એક સરકારી ડ્રાઈવર હતો, જેની ભૂમિકાની પણ તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ આમ આદમી પાર્ટીએ આ કેસને પ્લાન્ટેડ ગણાવ્યો છે. દિલ્હી પોલીસના જણાવ્યા પ્રમાણે, પકડાયા બાદ બંને લોકોને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા છે. તેમના દાવાની ચકાસણી કરવામાં આવી રહી છે.