દિલ્હી ‘આપ’ નેતાનું રાજીનામું માત્ર ટ્રેલર, પક્ષપલટાથી ફિલ્મ હજુ બાકી છે
અરવિંદ કેજરીવાલ અત્યારે 2025ના ફેબ્રુઆરીમાં યોજાનારી દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને જીતાડવા માટે પ્રચારમાં લાગ્યા છે ત્યારે જ દિલ્હી સરકારના પરિવહનમંત્રી કૈલાશ ગેહલોતે રાજીનામું ધરી દીધું છે. ગેહલોતે દિલ્હીનાં મુખ્યમંત્રી આતિશી માર્લેનાની સરકારના મંત્રીપદેથી જ નહીં પણ આમ આદમી પાર્ટીમાંથી પણ રાજીનામું આપી દીધું અને બીજા દિવસે ભાજપમાં જોડાઈ પણ ગયા છે. કૈલાશ ગેહલોતે રવિવારે સવારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને પત્ર લખીને રાજીનામાની જાહેરાત કરી હતી. ગેહલોતે કેજરીવાલને લખેલા પત્રમાં આક્ષેપ કર્યો છે કે, આમ આદમી પાર્ટીએ કેન્દ્ર સરકાર સાથે લડવામાં મોટા ભાગનો સમય બરબાદ કર્યો છે અને આમ આદમી પાર્ટીએ દિલ્હીની જનતાને આપેલાં વચનો પૂરા કર્યા નથી. ગેહલોતે યમુનાની સફાઈ સહિતના ઘણા બધા મુદ્દે આમ આદમી પાર્ટીની ટીકા કરી છે અને આપ સરકારને સદંતર નિષ્ફળ ગણાવી છે. ગેહલોતના રાજીનામા સાથે દિલ્હીમાં રાજકીય આક્ષપેબાજી શરૂૂ થઈ ગઈ છે.
ભાજપનું કહેવું છે કે, કેજરીવાલ ગેંગની લૂંટથી કંટાળીને ગહલોતે આમ આદમી પાર્ટી અને સરકાર બંનેમાંથી રાજીનામાનો નિર્ણય લીધો. આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાયેલા કપિલ મિશ્રાના દાવા પ્રમાણે, કૈલાશ ગેહલોતે રાજીનામા પત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે, ભ્રષ્ટાચારના કારણે આમ આદમી પાર્ટી અને સરકારમાં રહેવું શક્ય નથી. કેજરીવાલ ગેંગની લૂંટ અને જુઠ્ઠાણા સામે કૈલાશ ગેહલોતનું આ પગલું આવકાર્ય છે. દિલ્હીના દરેક વિધાનસભા મતવિસ્તારમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો હવે પાર્ટી છોડી રહ્યા છે તેથી કેજરીવાલની હાર પાકી છે. આમ આદમી પાર્ટીના નેતા જવાબ આપવામાં જરાય કાચા પડે તેમ છે નહીં તેથી તેમણે પણ તરત જવાબ આપી દીધો છે. દિલ્હીના મુખ્યમંત્રી આતિશીએ ગહલોતનું રાજીનામું સ્વીકારી લીધું પણ ગેહલોતના રાજીનામાને ભાજપનું ગંદું ષડયંત્ર ગણાવ્યું છે. ગેહલોતને ભાજપે લિકર કેસમાં ફસાવવાની ધમકી આપી હોવાનો આડકતરો આક્ષેપ કરતાં આતિશીએ એમ પણ કહ્યું કે, ભાજપ દિલ્હીમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી ઈડી અને સીબીઆઈના બળ પર જીતવા માગે છે. આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે પણ કટાક્ષ કરતાં કહ્યું કે, દિલ્હી ચૂંટણી પહેલા મોદી વોશિંગ મશીન એક્ટિવ થઈ ગયું છે.
હવે આ મશીન દ્વારા અનેક નેતાઓને ભાજપમાં સામેલ કરવામાં આવશે. ગેહલોતની વિદાયથી કેજરીવાલને કોઈ નુકસાન નથી ને ભાજપને મોટો ફાયદો નથી. કૈલાશ ગેહલોત હોશિયાર માણસ છે પણ કેજરીવાલની જેમ લોકપ્રિય અને મત ખેંચવાની ક્ષમતા નથી ધરાવતા. કૈલાશ ગેહલોત 2015માં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને 2017માં કેબિનેટ મંત્રી બન્યા હતા. વ્યવસાયે વકીલ કૈલાશ ગેહલોત રાજકારણમાં આવતા પહેલા 10 વર્ષ સુધી સુપ્રીમ કોર્ટ અને હાઈ કોર્ટમાં વકીલ હતા અને ઘણા મોટા કેસ લડ્યા હતા. એક વકીલ તરીકે તેમની નામના છે પણ લોકપ્રિય નેતા નથી મનાતા તેથી આપને નુકસાન નહીં કરી શકે. ગેહલોત ભાજપના નેતાઓની ભાષા બોલી રહ્યા છે. આ વાતો કરવા માટે ભાજપ પાસે પહેલેથી ઘણા નેતા છે જ એ જોતાં ગેહલોતની વાતો કોઈ અસર કરે એવી શક્યતા નથી.