રક્ષા મંત્રી રાજનાથસિંહ દિલ્હી એઇમ્સમાં દાખલ
કમરના દુખાવાની સારવાર ચાલુ
રક્ષા મંત્રી રાજનાથ સિંહને દિલ્હીની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)ના ન્યુરો સર્જરી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે તે કમરના દુખાવાથી પરેશાન છે.
ન્યુરો સર્જન ડો.અમોલ રહેજાની દેખરેખ હેઠળ તેમની સારવાર ચાલી રહી છે. હાલમાં હોસ્પિટલે કોઈ નિવેદન બહાર પાડ્યું નથી. ભાજપના વરિષ્ઠ નેતા અને દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ હાલમાં ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌથી સાંસદ છે. 1991માં જ્યારે ભારતીય જનતા પાર્ટીએ પહેલીવાર ઉત્તર પ્રદેશમાં પોતાની સરકાર બનાવી ત્યારે રાજનાથને શિક્ષણ મંત્રીની જવાબદારી સોંપવામાં આવી હતી. આ પછી, વર્ષ 2000 માં, તેઓ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી પણ બન્યા.
સિંહ બે વખત પાર્ટીના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. 2014માં જ્યારે ભાજપ પહેલીવાર બહુમતની સરકાર સાથે સત્તામાં આવ્યો ત્યારે પાર્ટીની કમાન તેમના હાથમાં હતી. રાજનાથ સિંહ બિન વિવાદાસ્પદ નેતાની છબી ધરાવે છે.