અગ્નિ મિસાઇલના જનક ડો.નારાયણ અગ્રવાલનું નિધન
84 વર્ષની વયે અંતિમ શ્ર્વાસ લીધા
અગ્નિ મિસાઈલના પિતા અને દેશના જાણીતા વૈજ્ઞાનિક ડો.રામ નારાયણ અગ્રવાલનું નિધન થયુ છે. તેમણે 84 વર્ષની વયે હૈદરાબાદમાં અંતિમ શ્વાસ લીધા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, તેઓ અગ્નિ મિસાઈલના પ્રથમ પ્રોગ્રામ ડાયરેક્ટર હતા. લોકો તેમને પ્રેમથી ‘અગ્નિ અગ્રવાલ’ અને ‘અગ્નિ મેન’ પણ કહેતા હતા.
ડો.અગ્રવાલ અજકના ડિરેક્ટર પદેથી નિવૃત્ત થયા હતા. તેમણે બે દાયકા સુધી અગ્નિ મિસાઈલ પ્રોગ્રામ સફળતાપૂર્વક ચલાવ્યો. તેમણે પોતે મિસાઈલના વોરહેડની રી-એન્ટ્રી, કમ્પોઝિટ હીટ શિલ્ડ, બોર્ડ પ્રોપલ્શન સિસ્ટમ, માર્ગદર્શન અને નિયંત્રણ વગેરે પર કામ કર્યું.
આ સમયે સમગ્ર ડીઆરડીઓ ડો. અગ્રવાલના નિધનથી દુ:ખી છે. ભૂતપૂર્વ ડીઆરડીઓ ચીફ અને મિસાઈલ વૈજ્ઞાનિક ડો. જી.સતીશ રેડ્ડીએ કહ્યું કે, ભારતે એક લિજેન્ડને ગુમાવ્યા છે. તેમણે લાંબા અંતરની મિસાઇલો વિકસાવવામાં અને તેમની પ્રક્ષેપણ સુવિધાઓના નિર્માણમાં ઘણી મદદ કરી.