આતંકવાદીઓ દ્વારા અપહરણ કરાયેલા સેનાના જવાનનો મળ્યો મૃતદેહ, ગોળીઓથી વીંધી નાખતા ખળભળાટ
જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લાના કોકરનાગમાં આતંકવાદીઓએ બે સૈનિકોનું અપહરણ કર્યું હતું, પરંતુ તેમાંથી એક કોઈ રીતે ત્યાંથી ભાગવામાં સફળ રહ્યો હતો. જ્યારે અન્ય એક સૈનિકનો મૃતદેહ જંગલમાંથી મળી આવ્યો હતો. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે. આતંકવાદીઓ દ્વારા અપહરણ કરાયેલા સૈનિકો ટેરિટોરિયલ આર્મીના છે. જમ્મુ અને કાશ્મીરમાં આ ઘટના એવા સમયે બની છે જ્યારે ગઈકાલે એટલે કે 8 ઓક્ટોબર 2024ના રોજ વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા હતા.
અગાઉ ઓગસ્ટ 2020 માં, આતંકવાદીઓએ કાશ્મીરમાં ટેરિટોરિયલ આર્મીના સૈનિક શાકિર મંજૂર વેજનું અપહરણ કર્યું હતું, જેના પાંચ દિવસ પછી પરિવારને તેના કપડાં ઘરની નજીક મળ્યા હતા. તે દક્ષિણ કાશ્મીરના શોપિયાંના હરમનમાં તેના ઘર નજીકથી ગુમ થઈ ગયો હતો.
5 દિવસ પહેલા કુપવાડામાં 2 આતંકવાદીઓ માર્યા ગયા હતા
આ પહેલા સુરક્ષા દળોએ જમ્મુ અને કાશ્મીરના કુપવાડા જિલ્લાના ગુગલધરમાં નિયંત્રણ રેખા (એલઓસી) પર ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. આ દરમિયાન સેના અને પોલીસે અહીં બે આતંકીઓને ઠાર કર્યા હતા. ભારતીય સેનાએ જણાવ્યું હતું કે 4 ઓક્ટોબર, 2024 ના રોજ, સેના અને પોલીસે એક શંકાસ્પદ ગતિવિધિ ધ્યાનમાં લીધી, ત્યારબાદ સંયુક્ત ઓપરેશન શરૂ કરવામાં આવ્યું. આ દરમિયાન કેટલાક આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આ અથડામણમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. સુરક્ષા દળોએ આતંકીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો જપ્ત કર્યો છે.
જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી આતંકવાદી ગતિવિધિઓ જોવા મળી રહી છે, જેના પર સુરક્ષા દળોએ પણ કાર્યવાહી કરી છે. ઓગસ્ટમાં સુરક્ષા દળોએ અનંતનાગ જિલ્લાના બિજબેહરા વિસ્તારમાં આતંકવાદીઓના ત્રણ સહયોગીઓની ધરપકડ કરી હતી. ઓપરેશન દરમિયાન, સુરક્ષા દળોએ ધરપકડ કરાયેલા સહયોગીઓના કબજામાંથી એક પિસ્તોલ, એક મેગેઝિન, 29 ગોળીઓ અને બે હેન્ડ ગ્રેનેડ જપ્ત કર્યા હતા.