રમતના બહાને સાસુને ખુરસી સાથે બાંધી વહુએ જીવતી સળગાવી દીધી
આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમથી માનવતાને શર્મસાર કરનારી એક ઘટના સામે આવી છે. અહીં એક વહુએ ક્રૂરતાની તમામ હદો પાર કરીને પોતાની 63 વર્ષીય સાસુને ખુરશી સાથે બાંધી, આંખો પર પટ્ટી બાંધી અને પછી પેટ્રોલ છાંટીને આગ લગાવી દીધી. આ ભયાનક ઘટનામાં વૃદ્ધ મહિલાનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.
મળતી માહિતી મુજબ, આરોપી મહિલાનું નામ 30 વર્ષીય લલિતા દેવી છે, જ્યારે મૃતક સાસુની ઓળખ 63 વર્ષીય જયંતી કનકમહાલક્ષ્મી તરીકે થઈ છે. લલિતા દેવીએ પોતાની 8 વર્ષની દીકરી સાથે ડોંગા પોલીસ નામની રમત રમવાના બહાને સાસુને આમાં સામેલ કર્યા. તેણે સાસુને ખુરશી પર બેસાડીને કહ્યું કે, રમત દરમિયાન તેમને ખુરશીથી બાંધીને આંખો પર પટ્ટી બાંધવી પડશે. જયંતીએ તેને સાચી રમત સમજી લીધી. જેવી તે ખુરશી પર બંધાઈ ગઈ, લલિતાએ અચાનક પેટ્રોલ છાંટી દીધું અને આગ લગાવી દીધી.
આ ભયાનક દ્રશ્ય જોઈને લલિતાની 8 વર્ષની દીકરી પોતાની દાદી તરફ દોડી, પરંતુ તે પણ સળગતી આગની ઝપેટમાં આવી ગઈ અને ગંભીર રીતે દાઝી ગઈ. ઘટના બાદ લલિતા દેવીએ પતિને ફોન કરીને કહ્યું કે, ટીવીમાં શોર્ટ સર્કિટ થવાને કારણે તેની માતા સળગી ગયાં છે. પતિ ઘરે પહોંચ્યો ત્યારે વાસ્તવિકતા જોઈને આઘાતમાં સરી પડ્યો અને તરત જ પોલીસને જાણ કરી.
વિશાખાપટ્ટનમ પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂૂ કરી. પોલીસ પૂછપરછમાં લલિતા દેવીએ પોતાનો ગુનો કબૂલ કર્યો. તેણે જણાવ્યું કે તેના અને પતિ વચ્ચે ચાલી રહેલા ઝઘડામાં સાસુ દખલગીરી કરતી હતી, જે તેને પસંદ નહોતું.
