HDFC લાઈફ ઈન્સ્યોરન્સના 1.6 કરોડથી વધુ વીમાધારકોનો ડેટા લીક, સાવચેતી રાખવા અપીલ
એચડીએફસી લાઇફ ઇન્સ્યોરન્સના 1.6 કરોડ ગ્રાહકોનો ડેટા લીક થતાં સનસનાટી મચી ગઈ છે. આ ડેટા ડાર્ક વેબ પર બે લાખ યુએસડીટી (ટીથર ક્રિપ્ટોકરન્સી)એટલે કે 1.69કરોડ રુપિયામાં વેચાયો હોવાનું મનાય છે. લીક થયેલા ડેટામાં પોલિસી નંબર, મોબાઇલ નંબર, ઇમેઇલ એડ્રેસ, જન્મતિથિ, ઘરનું એડ્રેસ અને આરોગ્ય જેવી સંવેદનશીલ માહિતી પણ સામેલ છે.
આ વ્યક્તિગત ડેટામાં ખાસ કરીને પોલિસી નંબરો લીક થવાને લઈને સાઇબરપીસે વ્યક્તિઓને સંભવિત જોખમો અંગે વાત કરવા ચેતવણી આપી છે. તેમને સતર્ક રહેવા અને સાવધ રહેવાનો આગ્રહ કરવામાં આવ્યો છે. એચડીએફસી લાઇફ ઇન્શ્યોરન્સે પણ તે વાતને સમર્થન આપ્યું છે કે થોડા મહિના પહેલા કેટલોક ડેટા લીક થયો હતો. ગયા મહિને કંપનીએ એક નિવેદન જારી કરી સ્વીકાર્યું હતું કે કેટલોક ડેટા અજ્ઞાત સ્ત્રોત દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હતો.
સાઇબરપીસની તપાસમાં જાણવા મળ્યું છે કે ચોરાયેલો ડેટા બલ્કના ભાવમાં વેચાઈ રહ્યો છે. તેને એક-એક લાખની બેચમાં વેચવામૉં આવી રહ્યો છે. હજી સુધી આ ડેટા ચોરી કરનારા હેકરની ઓળખ જાણી શકાઈ નથી. એચડીએફસી લાઇફે જણાવ્યું હતું કે ચોરાયેલા ડેટાનો નોંધપાત્ર હિસ્સો રસ ધરાવનારાઓને વેચી દેવાયો છે. તેના પગલે તેના દૂરુપયોગની સંભાવના વધી છે. હકીકત એ છે કે ડેટાના મોટા હિસ્સાનું આ રીતે ડાર્ક વેબ પર વેચાણ થતાં ઓળખની ચોરી કે છેતરપિંડીની સંભાવના વધી ગઈ છે.
જો કે એચડીએફસી લાઇફ ઇન્સ્યોરન્સનો જ ડેટા આ રીતે ચોરી થઈને વેચાયો છે તેવું નથી. થોડા જ મહિના પહેલા સ્ટાર હેલ્થના કિસ્સામાં પણ આવું જ બન્યું હતું. તેમાં હેકરોએ 7.24 ટીબી જેટલો સંવેદનશીલ ડેટા ચોરી કર્યો હતો. તેના લીધે 3.1 કરોડથી પણ વધુ વ્યક્તિઓને અસર થઈ શકે તેમ છે. ચોરાયેલી માહિતીની દોઢ લાખ ડોલરમાં હરાજી કરવામાં આવી હતી. આના પગલે હવે વીમા ક્ષેત્રમાં સાઇબર ક્રિમિનલ પ્રવૃત્તિની સંભાવના વધી ગઈ છે.
એચડીએફસી લાઇફના કિસ્સામાં પણ ડેટા લીક થયો છે. આથી ગ્રાહકોને વિનંતી કરવામાં આવી છે કે તેમના ખાતા પર તેઓ ચાંપતી નજર રાખે અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ દેખાય તો તરત જ રિપોર્ટ કરે.