ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ક્રોસ વોટિંગથી સાબિત થયું છે કે વિપક્ષી એકતા ખ્યાલી પુલાવ છે
ભારતમાં બીજા નંબરનો સર્વોચ્ચ બંધારણીય હોદો ગણાતા દેશના ઉપરાષ્ટ્રપતિપદની ચૂંટણી પતી ગઈ અને ધારણા પ્રમાણે જ ભાજપના સી.પી. રાધાકૃષ્ણન ચૂંટાઈ આવ્યા. ભારતમાં ઉપરાષ્ટ્રપતિ સંસદના ઉપલા ગૃહ એવા રાજ્યસભાના ચેરપર્સન તરીકેની ભૂમિકા પણ ભજવે છે તેથી રાધાકૃષ્ણન હોદ્દો સંભાળે પછી પાંચ વર્ષ સુધી બંને હોદ્દા પર કામ કરશે. જગદીપ ધનખડના અચાનક આવી પડેલા રાજીનામાના કારણે ખાલી પડેલા બંને હોદ્દા માટેની ચૂંટણીમાં સાઉથ વર્સીસ સાઉથનો જંગ હતો.
આ જંગ રસપ્રદ બનશે એવું મનાતું હતું. શાસક મોરચા એનડીએના ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણન તામિલનાડુના અને સંયુક્ત વિપક્ષી ઉમેદવાર બી. સુદર્શન રેડ્ડી તેલંગાણાના છે તેથી ભાજપને ટેકો આપનારા સાઉથના પક્ષોમાં ભંગાણ પડશે ને ભાજપ તરફથી ક્રોસ વોટિંગ થશે એવી વાતો વિપક્ષોએ ચલાવી હતી પણ એવું કશું થયું નથી. રાધાકૃષ્ણન સરળતાથી જીત્યા છે અને તેમને ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએના સાંસદો કરતાં વધારે મત મળ્યા છે તેનો અર્થ એ થયો કે, ક્રોસ વોટિંગ ભાજપ કે તેના સાથી પક્ષોમાંથી નથી થયું પણ વિપક્ષોના સાંસદોએ કર્યું છે. આ ચૂંટણી જીતવા માટે બહુમતીનો આંકડો 391 હતો અને શાસક એનડીએ પાસે 422 સાંસદ હતા. જગન મોહન રેડ્ડીની વાયએસઆર કોંગ્રેસે ભાજપના રાધાકૃષ્ણનને ટેકો આપવાની જાહેરાત પહેલાંથી જ કરી દીધી હતી. રાજ્યસભામાં સાત અને લોકસભામાં ચાર મળીને વાયએસઆર કોંગ્રેસ પાસે 11 સાંસદ છે.
એનડીએના 422 સાંસદમાં વાયએસઆર કોંગ્રેસના 11 સાંસદો ઉમેરાય તો કુલ આંકડો 433 પર પહોંચે પણ રાધાકૃષ્ણનને એનડીએની તાકાત કરતાં 30 મત વધારે એટલે કે 452 મત મળ્યા છે તેના પરથી સ્પષ્ટ છે કે, વિપક્ષોમાંથી પણ કેટલાક સાંસદે ભાજપના ઉમેદવારને મત આપ્યા છે. આ ચૂંટણીએ ફરી વિપક્ષોની ફાટફૂટ બહાર લાવી દીધી છે. ઉપરાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં પક્ષો કોઈ પક્ષ વ્હિપ નથી આપી શકતી અને મતદાન પણ ગુપ્ત હોય છે તેથી કોણે કોને મત આપ્યો એ ખબર નથી પડતી.
આ વખતે પણ કોણે ક્રોસ વોટિંગ કર્યું એ સ્પષ્ટ નથી પણ કોંગ્રેસની શશિ થરૂૂર આણિ મંડળી તરફ શંકાની સોય તકાઈ રહી છે. રાધાકૃષ્ણન આ જગા ભરવા આવ્યા છે ત્યારે તેમની પાસેથી સૌથી પહેલી અપેક્ષા એ જ છે કે, બીજા ધનખડ સાબિત ના થાય. રાધાકૃષ્ણનનો ટ્રેક રેકોર્ડ ધનખડ જેવો નથી. એ બિનવિવાદાસ્પદ વ્યક્તિત્વ ધરાવે છે અને અત્યાર લગી ગૌરવથી વર્ત્યા છે એ જોતાં આ આશા ફળશે એમ માની શકાય. ભારતમાં રાષ્ટ્રપતિપદનો રસ્તો ઉપરાષ્ટ્રપતિ ભવન થઈને જાય છે એવું કહેવાય છે. રાધાકૃષ્ણનનો ટ્રેક રેકોર્ડ જોતાં એ ભવિષ્યમાં રાષ્ટ્રપતિપદના પ્રબળ દાવેદાર બની શકે છે.