કર્નલ સોફિયા અંગે બફાટ કરનાર મંત્રી સામે ગુનો નોંધાયો
કર્નલ સોફિયા વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કર્યા બાદ મંત્રી વિજય શાહ વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. મધ્યપ્રદેશ હાઈકોર્ટના નિર્દેશ બાદ ઇન્દોરના માનપુર પોલીસ સ્ટેશનમાં તેમના વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો આ એફઆઇઆર કેબિનેટ મંત્રી વિજય શાહ વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ નોંધવામાં આવી છે.
બુધવારે (14 મે) ના રોજ મધ્યપ્રદેશ હાઈકોર્ટે સુઓ મોટો સંજ્ઞાન લીધું અને વિજય શાહ સામે એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો હતો. બીજી તરફ ભાજપ પ્રમુખ વીડી શર્મા અને સંગઠન મહામંત્રી હિતાનંદ શર્માએ વિજય શાહ અંગે મુખ્યમંત્રી મોહન યાદવને મળ્યા છે. અગાઉ વીડી શર્માએ કહ્યું હતું કે ભાજપ હાઇકમાન્ડ આવી ઘટનાઓ પ્રત્યે ખૂબ જ ગંભીર છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે કર્નલ સોફિયા કુરેશી આ દેશની દીકરી છે અને તેમણે બતાવેલી બહાદુરી પર સમગ્ર દેશ ગર્વ અનુભવે છે.
અગાઉ મંત્રી વિજય શાહે પોતાના નિવેદન બદલ માફી માંગી હતી. તેમણે પોતાના ડ હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો જેમાં તેમણે કહ્યું હતું કે તાજેતરમાં મે આપેલા નિવેદનથી તમામ સમાજની ભાવનાઓને ઠેસ પહોચી છે, તેના માટે હું શરમ અનુભવું છું. આ માટે માફી માંગું છું. આપણા દેશની બહેન સોફિયા કુરેશીએ પોતાની રાષ્ટ્રીય ફરજ બજાવતી વખતે જાતિ અને સમાજથી ઉપર ઉઠીને કામ કર્યું છે .