For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગાય રાજ્યમાતા, સારો નિર્ણય ભ્રષ્ટાચારમાં ન અટવાય તો સારું

01:29 PM Oct 04, 2024 IST | Bhumika
ગાય રાજ્યમાતા  સારો નિર્ણય ભ્રષ્ટાચારમાં ન અટવાય તો સારું
Advertisement

મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકારે એક મોટો નિર્ણય લઈને ગાયને રાજ્યમાતા જાહેર કરી છે. મહારાષ્ટ્ર સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આદેશમાં એલાન કરાયું છે કે ભારતીય સંસ્કૃતિ અને વૈદિક કાળમાં ગાયના મહત્ત્વને ધ્યાનમાં રાખીને ગાયને રાજયમાતા જાહેર કરવાનો આ નિર્ણય લેવામાં આવ્યો છે. શિંદે સરકારનો નિર્ણય સારો છે કેમ કે ગાય હિંદુઓની આસ્થા સાથે જોડાયેલું પ્રાણી છે. ભારતમાં ગાયને માતાનો દરજજો મળેલો છે અને હિંદુ ધર્મમાં ગાયની શ્રદ્ધાપૂર્વક પૂજા કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં માન્યતા છે કે ગાયમાં તમામ 33 કરોડ દેવી-દેવતાઓનો નિવાસ હોય છે. આ કારણે ગાય પૂજનીય છે અને ગૌવંશની રક્ષા કરવી હિંદુઓની ફરજ છે.

ગાય સાથે જોડાયેલી શ્રદ્ધાને જોતાં શિંદે સરકારનો નિર્ણય સરાહનીય છે કેમ કે આપણે ત્યાં ગાય સમાજને સૌથી મદદરૂૂપ પ્રાણી હોવા છતાં સૌથી ઉપેક્ષિત પ્રાણી છે. હિંદુ સંસ્કૃતિમાં ગાયને માતા ગણવામાં આવી કેમ કે પૌરાણિક કાળથી ગાય લોકોનું પોષણ કરે છે. વૈદિક અને પૌરાણિક કાળમાં પણ ભારતમાં ગૌવંશ જ લોકોની તંદુરસ્તી સાચવતો હતો. ગાયો દૂધ આપતી એ પીને લોકોની શારીરિક અને માનસિક તંદુરસ્તી જળવાતી. બળદ ખેતીના કામમાં વપરાતા અને ખેતી તો આજે પણ આપણા અર્થતંત્રની કરોડરજજુ જ છે.

Advertisement

અત્યારે તો ટેકનોલોજી આવી ગઈ છે તેથી બળદોનું મહત્ત્વ પહેલાં જેવા ના રહ્યું પણ સદીઓ પહેલાં કોઈ ટેકનોલોજી નહોતી ત્યારે બળદ જ આપણી ખેતીને ચલાવતા અને આપણને ખાવા માટે અનાજ આપતા. ભારતમાં હજારો ધાર્મિક સંસ્થાઓ છે અને મંદિરો છે. તેમની કમાણી કરોડોમાં છે પણ આ ગાયો પાછળ થોડોક ખર્ચ કરીને તેમને સાચવવાની તેમની તૈયારી નથી હોતી. કેટલીક સેવાભાવી સંસ્થાઓ કે વ્યક્તિઓ પોતાની રીતે ગાયોની સેવા માટે મથ્યા કરે છે, પણ મંદિરો કે ધાર્મિક સંસ્થાઓ ચૂપ રહે છે. ગાયની આ અવદશા સામે કોઈ કશું બોલતું નથી, તેમને ગાય માતા છે એ વાત યાદ આવતી નથી કે તેની પૂજા કરવી જોઈએ એ પણ સૂઝતું નથી. આ રીતે લાખો ગાયો રસ્તે રઝળતી હશે પણ તેમની સેવા માટે કશું થતું નથી. આપણે ખરેખર ગાયોને રાજમાતા માનતા હોય તો આ સ્થિતિ બદલવી જોઈએ કેમ કે રાજમાતા રસ્તે રઝળતી હોય તેનાથી મોટું અપમાન શું હોઈ શકે ? એકનાથ શિંદે સરકારે સારો નિર્ણય લીધો, પણ ખરેખર સરકાર ગાયને રાજમાતા માનતી હોય તો રસ્તે એક પણ ગાય રઝળતી ના દેખાય એવી સ્થિતિ સર્જવી પડે.

ખાલી સરકારી રાહે જાહેરાત કરી દેવાથી કામ ના ચાલે. રાજમાતાનું ગૌરવ પણ જાળવવું પડે. આ ગૌરવ જાળવવા માટે ગાયોને રસ્તે રઝળતી કરનારાંને સજાની જોગવાઈ કરતા કાયદા બનાવવા પડે. ગાયનો માત્ર કમાણી માટે ઉપયોગ કરીને પછી તેમને તરછોડી દેનારાંને આકરી સજા થાય ને બીજાં કોઈ એવી હરકત કરતાં પણ ડરે એવી સ્થિતિ સર્જવી પડે. આ ઉપરાંત રઝળતી ગાયોને સાચવવાની અને તેમના માટે ખોરાકની વ્યવસ્થા કરવી પડે. રસ્તા પરની ગાયો ઘણી વખત ગંભીર ઈજાનો ભોગ બને છે,બીમાર થઈ જાય છે. તેમની તાત્કાલિક સારવાર થાય એ પ્રકારનું તંત્ર ગોઠવવું પડે. ભારતમાં ગૌરક્ષા એક મોટો ધંધો બની ગયો છે.

અત્યારે પણ દેશભરમાં હજારો ગૌશાળાઓ અને કહેવાતી સેવાભાવી સંસ્થાઓ ચાલે છે કે જે રઝળતી ગાયોને સાચવવાના દાવા કરે છે, પણ વાસ્તવમાં બહુ ઓછી ગૌશાલા કે સેવાભાવી સંસ્થાઓ સાચી સેવા કરે છે. ગાયોની સેવાના નામે બારોબાર સરકારી ગ્રાન્ટ ચાઉં કરી જવાના ધંધા ચાલે છે ને તેમાંથી ઘણાંનાં ઘર ચાલે છે. મહારાષ્ટ્ર સરકાર ગાયને રાજ્યમાતા જાહેર કરીને જે ગ્રાન્ટ વાપરવા માગે છે તેમાં પણ આ ધંધો થવાનો ખતરો છે જ એ જોતાં રાજ્ય સરકારે આ ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ થાય એ પણ જોવું પડશે. ગાય માતા પોતાનો ઘાસચારો કોઈ બીજું ખાઈ જાય તો સરકારને ફરિયાદ કરવા જવાનાં નથી એ જોતાં સરકારે જ તકેદારી રાખવી પડે.

Advertisement
Tags :
Advertisement
Advertisement