કંગના સામે બિનજામીનપાત્ર વોરંટ કાઢવા કોર્ટની ચીમકી
જાવેદ અખ્તર માનહાનિ કેસમાં 40 મુદત છતાંય કંગના હાજર ન થતાં કોર્ટ ખફા
જાવેદ અખ્તર માનહાનિ કેસમાં કંગના રનૌતની મુશ્કેલીઓ વધતી જતી હોય તેવું લાગી રહ્યું છે. મુંબઈ કોર્ટ દ્વારા અભિનેત્રીને બિન-જામીનપાત્ર વોરંટ મોકલાય તેવી શક્યતા છે. આ અગાઉ કોર્ટે કંગનાને કેસની સુનાવણીમાં ભાગ લેવાની છેલ્લી તક આપી છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે, જો કંગના રનૌત હજુ પણ કોર્ટમાં નહીં આવે તો તેના પર બિનજામીનપાત્ર વોરંટ મોકલવામાં આવશે.
જાવેદ અખ્તર સાથે લાંબા સમયથી ચાલી રહેલા માનહાનિના કેસના સમાધાન માટે યોજાયેલી મધ્યસ્થી બેઠકમાં કંગના રનૌત હાજર રહી ન હતી. આવી સ્થિતિમાં, મુંબઈની એક કોર્ટે અભિનેત્રી સામે બિનજામીનપાત્ર વોરંટ જારી કરતા પહેલા તેને છેલ્લી તક આપી. કંગનાના વકીલ રિઝવાન સિદ્દીકીએ બાંદ્રા કોર્ટને જણાવ્યું હતું કે તે સંસદના કામમાં વ્યસ્ત છે અને તેથી તે સુનાવણીમાં હાજર રહી શકે તેમ નથી. કંગના રનૌત સુનાવણીમાં હાજર ન રહેવાને કારણે જાવેદ અખ્તરના વકીલ જય કે ભારદ્વાજે અરજી દાખલ કરી હતી. આમાં, કંગના રનૌત વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કરવાની માંગ કરવામાં આવી હતી. ભારદ્વાજે જણાવ્યું કે અભિનેત્રી લગભગ 40 તારીખે કોર્ટની સુનાવણીમાં હાજર રહી ન હતી. કોર્ટે કંગના રનૌતના વકીલને અરજી પર જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે. વકીલે બિન-જામીનપાત્ર વોરંટનો વિરોધ કર્યો છે. આવી સ્થિતિમાં, મેજિસ્ટ્રેટે અભિનેત્રીને એક છેલ્લી તક આપવાનો નિર્ણય લીધો છે.