રામભદ્રાચાર્ય સામેના વાંધાજનક વીડિયો દુર કરવા કોર્ટનો આદેશ
અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચે જગતગુરુ રામભદ્રાચાર્ય સાથે સંકળાયેલા કેટલાક વાંધાજનક વીડિયો અંગે એક મહત્વપૂર્ણ આદેશ જારી કર્યો છે. હાઈકોર્ટે સોશિયલ મીડિયા પરથી રામભદ્રાચાર્યના તમામ વાંધાજનક વીડિયો દૂર કરવાનો આદેશ આપ્યો છે. આ મામલે ફેસબુક, ટ્વિટર, ઈન્સ્ટાગ્રામ અને યુટ્યુબને નોટિસ જારી કરવામાં આવી છે.
હાઈકોર્ટની એક બેન્ચે સોશિયલ મીડિયા સાઇટ્સને નોટિસ ફટકારી હતી, જેમાં તેમને રામભદ્રાચાર્ય સંબંધિત વિડિઓઝ તાત્કાલિક દૂર કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો અને આ પ્લેટફોર્મ્સ પાસેથી એક અઠવાડિયામાં જવાબ માંગવામાં આવ્યો હતો. કોર્ટે શરદ ચંદ્ર નામના અરજદાર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતી વખતે આ આદેશ આપ્યો હતો.
અરજદારે દાવો કર્યો હતો કે સોશિયલ મીડિયા પર વાંધાજનક સામગ્રી ફેલાવવામાં આવી રહી છે, જેમાં સ્વામી રામભદ્રાચાર્ય વિરુદ્ધ એક જૂના કેસનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમણે વિનંતી કરી હતી કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મને રામભદ્રાચાર્યની અપંગતાના અપમાનનો ઉલ્લેખ કરીને આ વાંધાજનક વિડિઓઝ દૂર કરવા માટે નોટિસ જારી કરવામાં આવે.