ફૂડ-બેવરેજ કોન્ટ્રાક્ટમાં ભ્રષ્ટાચાર: AAIના પૂર્વ ચેરમેન સામે FIR
કેન્દ્રીય તપાસ બ્યૂરો (CBI) એ એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) ના પૂર્વ ચેરમેન વી.પી. અગ્રવાલ સહિત અન્ય વરિષ્ઠ અધિકારીઓ અને ખાનગી કંપનીઓ સામે ભ્રષ્ટાચારનો કેસ દાખલ કર્યો છે. આ કેસ ચેન્નાઈ અને કોલકાતા એરપોર્ટ પર ફૂડ અને બેવરેજ ઓપરેટરના કોન્ટ્રાક્ટમાં ખાનગી કંપનીઓને ગેરકાયદેસર લાભ પહોંચાડવા સંબંધિત છે.
AAIના પૂર્વ અધ્યક્ષ વી પી અગ્રવાલ ઉપરાંત, તત્કાલીન સભ્ય (ફાઇનાન્સ) એસ સુરેશ, તત્કાલીન કાર્યકારી નિર્દેશક આર ભંડારી, અને ખાનગી કંપનીઓ ટ્રાવેલ ફૂડ સર્વિસિસ ચેન્નઈ પ્રાઇવેટ લિમિટેડ અને ટ્રાવેલ ફૂડ સર્વિસિસ કોલકાતા પ્રાઇવેટ લિમિટેડનો પણ આરોપી તરીકે સમાવેશ થાય છે.
આ કેસ 2012-13 માં ચેન્નાઈ અને કોલકાતા એરપોર્ટ પર ફૂડ અને બેવરેજ સેવાઓ માટે માસ્ટર ક્ધસેશનર કોન્ટ્રાક્ટના ટેન્ડર સાથે સંબંધિત છે. સીબીઆઈના આક્ષેપો અનુસાર, વરિષ્ઠ AAI અધિકારીઓએ ગેરવર્તણૂક કરી, ટેન્ડર પ્રક્રિયામાં હેરાફેરી કરી, અને ખાનગી પક્ષોને ફાયદો પહોંચાડવા માટે માસ્ટર ક્ધસેશનર કરારની શરતો અને નિયમોમાં અનધિકૃત ફેરફારો કર્યા હતા.
તપાસમાં બહાર આવ્યું છે કે RFP (રિક્વેસ્ટ ફોર પ્રપોઝલ) સ્ટેજ પર ચોક્કસ કંપનીઓને ફાયદો કરાવવા માટે RFP (રિક્વેસ્ટ ફોર ક્વોલિફિકેશન) માં મુખ્ય શરતો બદલવામાં આવી હતી. એટલું જ નહીં, લઘુત્તમ વાર્ષિક ગેરંટી (MAG) ની રકમ પણ ઘટાડવામાં આવી હતી અને શોર્ટલિસ્ટ કરાયેલા બે બિડરો દ્વારા કથિત રીતે ગુપ્ત બિડિંગ કરવામાં આવ્યું હતું, જેમના હિતો એકબીજાથી વિરુદ્ધ હતા.
સીબીઆઈએ 2022 માં આ મામલે પ્રાથમિક તપાસ શરૂૂ કરી હતી અને ત્રણ વર્ષની તપાસ બાદ પુરાવા મળતાં, સરકારી કર્મચારીઓ દ્વારા ખાનગી સંસ્થાઓને ગેરવાજબી લાભો આપવાના ઇરાદાથી ગુનાહિત કાવતરું અને છેતરપિંડી કરવામાં આવી હોવાનું જણાયું, જેના પગલે એજન્સીએ ઔપચારિક FIR દાખલ કરીને તપાસને કેસમાં પરિવર્તિત કરી છે.