કોરોના રસીને હાર્ટએટેકના કેસો સાથે કોઇ સંબંધ નથી: સરકાર
આઇસીએમઆર, એનસીડીસીના અભ્યાસનો હવાલો આપ્યો
દેશમાં યુવાનોમાં અચાનક થતા મૃત્યુ અને હાર્ટ એટેકના વધતા કેસો અંગે છેલ્લા કેટલાક સમયથી વ્યાપક ચિંતા અને અટકળો ચાલી રહી હતી. ખાસ કરીને, કોરોના વેક્સિનને આ ઘટનાઓ સાથે જોડીને અનેક અફવાઓ ફેલાઈ રહી હતી. પરંતુ, આજે (શુક્રવાર, 25 જુલાઈ, 2025) સંસદના ચોમાસુ સત્ર 2025માં મોદી સરકારે આ મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, કોરોના વેક્સિન હાર્ટ એટેક અને મૃત્યુનું કારણ નથી. આ જવાબથી લોકોમાં પ્રવર્તતી ગેરસમજો દૂર થવાની આશા છે.
લોકસભામાં શિવસેના (ઉદ્ધવ જૂથ)ના સાંસદ અરવિંદ ગણપત સાવંત અને સંજય ઉત્તમરાવ દેશમુખે સ્વાસ્થ્ય મંત્રી જે.પી. નડ્ડાને સવાલ પૂછ્યો હતો કે શું દેશમાં છેલ્લા 5 વર્ષમાં હાર્ટ એટેકના કેસોમાં ઝડપી વધારો થયો છે? જો વધારો થયો હોય તો તેના પાછળના કારણો શું છે? સાંસદોએ એ પણ પૂછ્યું કે શું સરકારે હાર્ટ એટેકના વધતા કેસો અંગે કોઈ અભ્યાસ કરાવ્યો છે? શું કોઈ જનજાગૃતિ અભિયાન શરૂૂ કરવામાં આવ્યું છે? અને શું સરકારે ગ્રામીણ અને વંચિત વર્ગના લોકો માટે વિશેષ સુવિધા કે વ્યવસ્થા કરી છે?
આ સવાલોના જવાબમાં સરકારે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અને નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ (NCDC) દ્વારા કરવામાં આવેલા બે વૈજ્ઞાનિક અભ્યાસોનો હવાલો આપ્યો. આ બંને અભ્યાસોમાં યુવાનોમાં હાર્ટ એટેકના વધતા કેસો અને અચાનક થયેલા મૃત્યુના કારણો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે.