સ્વતંત્રતા દિવસે રાહુલ ગાંધીને પાછળની હરોળમાં બેસાડતા વિવાદ
કોંગ્રેસ રાજનાથસિંહ ઉપર માછલા ધોયા, રાહુલે જ બેઠક માગ્યાની સ્પષ્ટતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઇકાલે સ્વતંત્રતા દિવસ નિમિત્તે 11મી વખત લાલ કિલ્લાની પ્રાચીર પરથી સંબોધન કર્યું. આ સમારોહમાં કેન્દ્ર સરકારના મંત્રીઓ, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા. પેરિસ ઓલિમ્પિક 2024માં બ્રોન્ઝ મેડલ જીતનારી ભારતીય હોકી ટીમને પણ આ સમારોહમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું.
કાર્યક્રમ બાદ રાહુલ ગાંધીની બેઠક વ્યવસ્થાને લઈને વિવાદ ઉભો થયો છે. વાસ્તવમાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને પાછળની હરોળમાં બેસાડવામાં આવ્યા હતા, જેના પર કોંગ્રેસના નેતાઓએ વાંધો વ્યક્ત કર્યો હતો. કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ વિવેક ટંઢાએ કહ્યું, રક્ષા મંત્રાલય આટલું ખરાબ વર્તન કેમ કરી રહ્યું છે? લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને ચોથી હરોળમાં બેસાડવામાં આવ્યા છે. વિપક્ષના નેતાનું પદ છે. કોઈ પણ કેન્દ્રીય મંત્રી કરતા મોટા, તેઓ વડાપ્રધાન પછી આવી રહ્યા છે, તમે કેવી રીતે સંરક્ષણ મંત્રાલયને રાષ્ટ્રીય કાર્યની રાજનીતિ કરવાની મંજૂરી આપી શકો છો.
જો કે રક્ષા મંત્રાલયે પણ રાહુલ ગાંધીની બેઠકની સ્થિતિ અંગે સ્પષ્ટતા કરી છે. સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે હોકી ખેલાડીઓ માટે આગળની હરોળ ફાળવવામાં આવી હતી, જેના કારણે રાહુલ ગાંધીને પાછળ બેસવું પડ્યું હતું. રાહુલ ગાંધીની પાછળ વધુ બે લાઈનો હતી, જેના પર કેટલાક મહેમાનો બેઠા હતા.