મુંબઇમાં કાલી માતાને મધર મેરીનો શણગાર, વિવાદ થતા તાબડતોબ પૂજારીની ધરપકડ
માતાજીએ સ્વપ્નમાં આવી શૃંગાર માગ્યાનો પૂજારીનો બચાવ
મુંબઈનો એક વીડિયો વાઇરલ છે. તેમાં જોવા મળી રહ્યું છે કે ચેમ્બુર વિસ્તારના એક મંદિરમાં હિંદુ દેવી કાલી માતાની મૂર્તિને ખ્રિસ્તી સમુદાયની મધર મેરીની જેમ શણગારવામાં આવી હતી. મૂર્તિને ક્રોસ પહેરાવવામાં આવ્યો હતો. મંદિરમાં લાલ કપડું લગાવવામાં આવ્યું હતું. ફરિયાદના આધારે પોલીસે મંદિરના પૂજારીની ધરપકડ કરી છે.
જે વીડિયો વાઇરલ છે તેમાં જોવા મળી રહ્યું છે કે યુવક કાલી માતાના મંદિર તરફ આગળ વધે છે. મંદિરના દરવાજા બંધ છે. જાળીમાંથી તે બતાવે છે કે કાલી માતાને મધર મેરીની જેમ વેશભૂષા પહેરાવવામાં આવી છે. જેમ મધર મેરીની મૂર્તિ હોય છે, તે જ રીતે શણગારવામાં આવી છે.
કાલી માતાના માથા પર તાજ મૂકવામાં આવ્યો છે. મંદિરની અંદર લાલ કપડું લગાવેલું જોવા મળી રહ્યું છે. સાથે જ ચર્ચ જેવી લાઇટિંગ કરવામાં આવી છે. મૂર્તિની સામે દીવાની જગ્યાએ મીણબત્તીઓ સળગતી જોવા મળી રહી છે. સાથે જ કાલી માતાને ખોળામાં બાળક લીધેલા બતાવવામાં આવ્યા છે.
વીડિયો વાઇરલ થયા બાદ ફરિયાદ મળ્યા બાદ પોલીસે મંદિરના પૂજારી રમેશની ધરપકડ કરી. પૂછપરછમાં તેણે કહ્યું કે કાલી માતાએ મને સપનું આપ્યું અને કહ્યું કે મારો મધર મેરી જેવો શ્રૃંગાર કરો. પોલીસે પૂજારી વિરુદ્ધ ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાની કલમ હેઠળ કેસ દાખલ કર્યો છે. હાલમાં તે 2 દિવસની પોલીસ રિમાન્ડ પર છે.