વાવ બેઠક ઉપર કોંગ્રેસ ઠાકોરને ટિકિટ નહીં આપે
આ બાબત પહેલાથી જ નક્કી હોવાનો સાંસદ ગેનીબેનનો ખુલાસો
મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની સાથે સાથે ગુજરાતમાં વાવ વિધાનસભા બેઠક પર પણ ચૂંટણી યોજાશે, ગઇકાલે કેન્દ્રીય ચૂંટણી પંચે બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠક માટે પણ શિડ્યૂલ જાહેર કરી દીધુ હતુ. આગામી 13મી નવેમ્બરે વાવ વિધાનસભા બેઠક માટે મતદાન યોજાશે. આ પેટા ચૂંટણીને લઇને હવે કોંગ્રેસ આક્રમક મૂડમાં દેખાઇ રહી છે.
અહીં પહેલા કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરની વિધાનસભામાં જીત થઇ હતી, આ પછી બનાસકાંઠા લોકસભા જીતતા ગેનીબેન વાવ બેઠક પરથી રાજીનામુ આપી દીધુ હતુ. કોંગ્રેસના બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે વાવ બેઠક અને કોંગ્રેસની રણનીતિ અંગે મોટો ખુલાસો કર્યો છે. સાંસદ ગેનીબેન ઠાકોરે આપેલા એક ઇન્ટરવ્યૂ દરમિયાન ખુલાસો કરતાં જણાવ્યુ હતુ કે, કોંગ્રેસ વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ઠાકોર સમાજના ઉમેદવારને ટિકીટ નહીં આપે. આ બાબતે પહેલાથી જ વાટાઘાટો થઇ ચૂકી છે.
સાંસદ ગેનીબેન ઠાકોરે ઇન્ટરવ્યૂમાં જણાવ્યુ કે, કોંગ્રેસ ફરી એકવાર વાવ વિધાનસભામાં જંગી લીડથી જીતશે. કોંગ્રેસમાંથી વાવ માટે ટિકીટ માંગનારા ચાર લોક જ છે. પરંતુ રણનીતિ પ્રમાણે કોંગ્રેસ વાવ પેટાચૂંટણીમાં ઠાકોર ઉમેદવારે ટિકીટ નહીં આપે. ગેનીબેને કહ્યું કે, જ્યારે લોકસભાની ટિકીટ ઠાકોર સમાજને આપી ત્યારે જ નક્કી થઇ ગયુ હતુ કે, કોંગ્રેસ તમામ લોકોને સાથે રાખીને ચૂંટણી લડશે અને જીતશે. અહીં બનાસકાંઠામાં પેટાચૂંટણીમાં કોંગ્રેસની જીતનો ઇતિહાસ રહેલો છે, શંકરસિંહ વાઘેલાથી લઇને થરાદની પેટાચૂંટણીમાં કોંગ્રેસે બાજી મારી છે.
વાવ બેઠક પર જાતિગત સમીકરણ ખૂબ મહત્વનું છે. બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીની પણ જાહેરાત કરવામાં આવી હતી. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર સાંસદ બનતા વાવની બેઠક ખાલી પડી હતી. વાવ વિધાનસભાની પેટા ચૂંટણી 13 નવેમ્બરે યોજાશે. જ્યારે 23 નવેમ્બરના રોજ મતગણતરી યોજાશે. વાવ બેઠકની ચૂંટણીની જાહેરાતને લઈ ભાજપના ધારાસભ્ય પ્રવીણ માળીએ નિવેદન આપ્યું હતું કે ભાજપ ચૂંટણી માટે હંમેશા તૈયાર જ હોય છે. વિજયના વિશ્વાસ સાથે મેદાનમાં ઉતરીશું. લોકસભામાં વાવ વિધાનસભાનું પરિણામ ભાજપ માટે પોઝિટિવ હતું.