કોંગ્રેસ કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તનની માગ સામે આંખ આડા કાન કરશે તો સત્તા ગુમાવશે
કર્ણાટકમાં મુખ્ય મંત્રીપદના મામલે પાછો ભડકો થયો છે અને વર્તમાન મુખ્યમંત્રી સિદ્ધરામૈયા અને નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારને જૂથ સામસામે આવી ગયાં છે. ડી.કે. શિવકુમારના નજીક મનાતા ધારાસભ્ય ઇકબાલ હુસૈને દાવો કર્યો હતો કે, કોંગ્રેસના લગભગ 100 ધારાસભ્યો મુખ્યમંત્રી બદલવા માગે છે અને શિવકુમારને મુખ્યમંત્રી બનાવવા માગે છે. ઇકબાલ હુસૈને તો એમ પણ કહ્યું કે, નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારને આગામી બે-ત્રણ મહિનામાં રાજ્યના મુખ્યમંત્રી બનવાની તક મળી શકે છે.
હુસૈને તો ચેતવણી પણ આપી કે, મુખ્યમંત્રી બદલાશે નહીં તો કોંગ્રેસ 2028ની ચૂંટણી જીતી શકશે નહીં. કર્ણાટકમાં થયેલા ભડકાને પગલે કોંગ્રેસે કર્ણાટકના પ્રભારી રણદીપ સિંહ સૂરજેવાલાને બેંગલુરુ દોડાવવા પડ્યા છે. સૂરજેવાલા કોંગ્રેસના ધારાસભ્યો સાથે સતત બેઠકો કરી રહ્યા છે અને આ ભવાડાને બંધ કરાવવા માટે મથી રહ્યા છે પણ ડેપ્યુટી સીએમ ડી.કે. શિવકુમારના ગ્રૂપના ધારાસભ્યો જે રીતે ભડકેલા છે એ જોતાં મુખ્યમંત્રી બદલવામાં નહીં આવે તો કોંગ્રેસમાં ભંગાણ પડી શકે છે. બીજી તરફ સિદ્ધરામૈયા પોતાની જ તાનમાં મસ્ત છે અને કોંગ્રેસ નેતાગીરી પણ ઢાંકપિછોડો કરવામાં લાગી છે.
રણદીપ સુરજેવાલા સોમવારે બેંગલુરુ પહોંચ્યા તેનું કારણ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી ગ્રૂપનો ઝઘડો છે એવું ખુદ શિવકુમાર જૂથના ધારાસભ્યો કહે છે ત્યારે સૂરજેવાલાનું કહેવું છે કે, સિદ્ધરામૈયા અને શિવકુમાર વચ્ચે કોઈ મતભેદ નથી અને તેમની મુલાકાત તો સંગઠન સમીક્ષા માટે છે. સૂરજેવાલાએ તો નેતૃત્વ પરિવર્તનની વાતને કાલ્પનિક પણ ગણાવી છે. સિદ્ધારમૈયા પણ કોઈ ડખો હોવાનું સ્વીકારવા તૈયાર નથી. તેમણે પણ એ જ રેકર્ડ વગાડી કે, પોતાની સરકાર પાંચ વર્ષ સુધી પહાડની જેમ ટકવાની છે ને કોઈ તેને હલાવી નહીં શકે. મજાની વાત પાછી એ છે કે, કર્ણાટકમાં મુખ્યમંત્રી બદલવાની માગ ઊઠી રહી છે એ વાતને કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ આડતરું સમર્થન આપ્યું છે. ખડગેના કહેવા પ્રમાણે, આ નિર્ણય લેવાનો અધિકાર હાઇકમાન્ડ પાસે છે અને હાઈકમાન્ડના મનમાં શું ચાલી રહ્યું છે તે કહી શકાય નહીં.
સૂરજેવાલા, સિદ્ધરામૈયા અને ખડગેનાં નિવેદનો એ વાતનો પુરાવો છે કે, કોંગ્રેસમાં લશ્કર ક્યાં લડે છે તેની કોઈને ખબર જ નથી. સિદ્ધરામૈયા અને સૂરજેવાલા અલગ અલગ વાજાં વગાડી રહ્યા છે અને લોકોને બેવકૂફ બનાવવા મથી રહ્યા છે. સૂરજેવાલા ઉઠાં ભણાવતા હોય એમ પોતાની મુલાકાતને સંગઠન સમીક્ષા ગણાવે છે પણ સવાલ એ છે કે, અત્યાર લગી કોંગ્રેસે સંગઠનની સમીક્ષા કેમ ના કરી ? કોંગ્રેસ ભૂતકાળમાંથી પણ કશું શીખતી નથી. રાજસ્થાનમાં અશોક ગેહલોત ને મધ્ય પ્રદેશમાં કમલનાથની પાલખી ઊંચકવામાં કોંગ્રેસ બંને રાજ્યોમાં સાવ ધોવાઈ ગઈ ને હવે કર્ણાટકમાં પણ એ જ રસ્તે જઈ રહી છે.