હરિયાણામાં બહુમતી સાથે ભાજપની હેટ્રિક, કોંગ્રેસે ચૂંટણી પંચ પર લગાવ્યો આ આરોપ
હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણી માટે આજે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરુ થાય હતી. હરિયાણા અને જમ્મુ-કાશ્મીરની તમામ 90 સીટો માટે વલણ સામે આવી ગયા છે. હરિયાણાના વલણોમાં ભાજપે ફરી એકવાર બહુમતનો આંકડો પાર કર્યો છે. હરિયાણામાં અત્યાર સુધી સામે આવેલા વલણમાં ભાજપ 50 બેઠકો પર આગાળ ચાલી રહી છે. બહુમતનો આંકડો 46 બેઠકોનો છે, જેને ભાજપે પાર કરી લીધો છે, જયારે કોંગ્રેસ 34 બેઠકો પર આગળ ચાલી રહી છે.
આ દરમિયાન કોંગ્રેસના નેતા જયરામ રમેશે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે. કોંગ્રેસ પાર્ટીએ હરિયાણામાં વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં વિલંબને લઈને ચૂંટણી પંચ પર ગંભીર આરોપ લગાવ્યા છે. પાર્ટીના નેતાઓનું કહેવું છે કે ચૂંટણી પંચ જાણી જોઈને ડેટાને ધીમી ગતિએ અપડેટ કરી રહ્યું છે, જેનાથી પરિણામોની પારદર્શિતા પર ખતરો છે. કોંગ્રેસના નેતા જય રામ રમેશે જણાવ્યું હતું કે, "ચૂંટણી પંચની વેબસાઈટ પર ધીમી ગતિએ ઈરાદાપૂર્વક ચૂંટણીના વલણો શેર કરવામાં આવી રહ્યા છે. આનાથી એવી આશંકા વધી રહી છે કે ભાજપ વહીવટીતંત્ર પર દબાણ લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે."
તેમણે વધુમાં કહ્યું કે આ પ્રક્રિયા મતદારોના અધિકારોનું ઉલ્લંઘન કરી રહી છે અને ચૂંટણી પ્રક્રિયાની વિશ્વસનીયતાને અસર કરી રહી છે. જય રામ રમેશે ચૂંટણી પંચને ઝડપથી અને સચોટ પરિણામો શેર કરવા વિનંતી કરી છે, જેથી મતદારો અને જનતાનો વિશ્વાસ જળવાઈ રહે.