રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવશે કોંગ્રેસ, AAP-સપા અને TMCએ કર્યું સમર્થન
સંસદના શિયાળુ સત્રની બંને ગૃહોની કાર્યવાહી સુચારૂ રીતે ચાલી રહી નથી. વિપક્ષના સાંસદો સ્પીકર પર પક્ષપાતી હોવાનો આરોપ લગાવી રહ્યા છે. પરંતુ હવે સૂત્રોનું કહેવું છે કે સંસદના ઉપલા ગૃહ રાજ્યસભામાં વિપક્ષી સાંસદો હવે અધ્યક્ષ સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની તૈયારી કરી રહ્યા છે. ઘણા સાંસદોએ પણ આ માટે પોતાની સંમતિ દર્શાવી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર વિપક્ષી દળોનું ગઠબંધન INDIA રાજ્યસભાના અધ્યક્ષ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવે તેવી શક્યતા છે. વિપક્ષે તેમના પર ગૃહમાં પક્ષપાતી રીતે કામ કરવાનો આરોપ લગાવ્યો છે. વિપક્ષી પાર્ટીઓ બંધારણની કલમ 67(B) હેઠળ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરશે, જેમાં તૃણમૂલ કોંગ્રેસ પાર્ટી (TMC), આમ આદમી પાર્ટી (AAP), સમાજવાદી પાર્ટી (SP) સહિત તમામ પક્ષોએ તેમના હસ્તાક્ષર કર્યા છે. અવિશ્વાસ પ્રસ્તાવના સમર્થનમાં આપ્યો છે.
કેન્દ્રમાં સત્તારૂઢ નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ના સાંસદોએ કોંગ્રેસ અને તેના ટોચના નેતાઓ પર વિદેશી સંસ્થાઓ અને લોકો દ્વારા દેશની સરકાર અને અર્થવ્યવસ્થાને અસ્થિર કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમજ આ મુદ્દે ચર્ચાની માંગણી કરતા શાસક પક્ષના સાંસદોએ સોમવારે રાજ્યસભામાં હંગામો મચાવ્યો હતો જેના કારણે કાર્યવાહી વારંવાર સ્થગિત કરવી પડી હતી.
બીજી તરફ રાજ્યસભામાં મડાગાંઠ ઉકેલવા માટે રાજ્યસભા અધ્યક્ષે મહત્વની બેઠક બોલાવી છે. અધ્યક્ષ આવતીકાલે મંગળવારે સવારે 10.30 વાગ્યે રાજ્યસભાના ફ્લોર લીડર્સ સાથે બેઠક કરશે.
ગૃહમાં હોબાળા દરમિયાન પણ દિગ્વિજય સિંહથી લઈને રાજીવ શુક્લા સુધી, કોંગ્રેસ સાંસદોએ ચેરમેન પર પક્ષપાતનો આરોપ લગાવતા સવાલ કર્યો કે, કયા નિયમ હેઠળ તેઓએ ચર્ચા ચાલૂ કરી છે. વિપક્ષી સભ્યોએ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો કે, ચેરમેન ભાજપ સભ્યોના નામ લઈ-લઈને તેમને બોલવા માટે કહી રહ્યા છે.
નોંધનીય છે કે, રાજ્યસભાના ચેરમેનને દૂર કરવા માટે પ્રસ્તાવમાં 50 સભ્યોની સહી હોવી જરૂરી છે. ચેરમેન ધનખડની સામે પ્રસ્તાવ પર 70 સભ્યોએ સહી કરી દીધી છે. વિપક્ષની તરફથી ચેરમેનને દૂર કરવા માટે પ્રસ્તાવ લાવવાની ચર્ચા સંસદના ગત ચોમાસું સત્ર દરમિયાન પણ થઈ હતી.