પાંચ હજાર કરોડના ડ્રગ્સમાં કોંગ્રેસના નેતાનું નામ ખુલ્યું
હરિયાણામાં વિધાનસભાની ચૂંટણી માટે મતદાન પહેલા રાજકીય ગરમાવો આવ્યો છે. વોટિંગના બે દિવસ પહેલા બીજેપીએ કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે દિલ્હીમાં 5 હજાર કરોડ રૂૂપિયાના ઇન્ટરનેશનલ ડ્રગ્સ સિન્ડિકેટમાં મોટો ખુલાસો થયો છે. સિન્ડિકેટની સાથે પકડાઇ ગયેલો તુષાર ગોયલ કોંગ્રેસના યુથ કોંગ્રેસની આરટીઆઈ સેલનો ચીફ છે અને તેની નિયુક્તિ રાહુલ ગાંધીએ કરી હતી. સાથે જ કહ્યું કે તુષારના હુડ્ડા પરિવાર સાથે પણ સારા સંબંધ છે.
ભાજપે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે દિલ્હીમાં 5600 કરોડ રૂૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે. જ્યારે મનમોહન સિંહ સરકારના 10 વર્ષ દરમિયાન માત્ર 768 કરોડ રૂૂપિયાના ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યા હતા. ડ્રગ્સ સિન્ડિકેટ સાથે ઝડપાયેલો તુષાર ગોયલ કોંગ્રેસના યુથ કોંગ્રેસના આરટીઆઈ સેલના ચીફ છે. તેમણે કહ્યું કે રાહુલે પોતે પત્ર જાહેર કરીને તુષારની નિમણૂક કરી હતી, જેની નકલ પણ ઉપલબ્ધ હોવાનું સુધાંશુ ત્રિવેદીએ જણાવ્યું હતું.
હરિયાણાની ચૂંટણીને સાથે આ ઘટનાને જોડીને સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે આજે દેશના દરેક નાગરિકને માહિતી મેળવવાનો અધિકાર છે કે કોંગ્રેસ પ્રમુખ,દીપેન્દ્ર હુડ્ડા અને કે.સી વેણુગોપાલની સાથે તુષારનો ફોટો કેવી રીતે સામે આવ્યો. એટલુ જ નહી તેના મોબાઈલમાંથી દીપેન્દ્ર હુડ્ડાનો મોબાઈલ નંબર કેમ મળી આવ્યો છે. આ પૈસાનો હેતુ શું હતો ? શું તેનો ઉપયોગ ચૂંટણી માટે તો નહોતો થઇ રહ્યો ને ?
બીજી તરફ ભાજપના આક્ષેપો બાદ કોંગ્રેસ તરફથી પણ ખુલાસો આવ્યો છે. તત્કાલીન યુથ કોંગ્રેસના પ્રમુખ બીવી શ્રીનિવાસે એક ચેનલ સાથે વાતચીત કરતા જણાવ્યું કે તુષાર ગોયલને બે વર્ષ પહેલા કોંગ્રેસ પાર્ટીમાંથી દૂર કરવામાં આવ્યા હતા અને હવે તેઓ પાર્ટીના સભ્ય નથી. આ અંગે યુથ કોંગ્રેસ ટૂંક સમયમાં વિગતવાર પ્રેસ કોન્ફરન્સ કરશે. ઉલ્લેખનીય છે કે આરોપી તુષારે પોતાની સોશિયલ મીડિયા પ્રોફાઇલ પર પોતાને કોંગ્રેસ સાથે જોડાયેલ હોવાનું જાહેર કર્યું છે. તેમની પ્રોફાઇલમાં આરટીઆઈ સેલના અધ્યક્ષ, દિલ્હી પ્રદેશ કોંગ્રેસ લખવામાં આવ્યું છે.