પાક. સલામતી સમિતિનું પ્રમુખ બન્યું એમાં મોદીની ટીકા કરી કોંગ્રેસે બુધ્ધિનું દેવાળું ફૂંકયું છે
કોંગ્રેસનું નેતૃત્વ દિશાહીન તો છે જ પણ સામાન્ય વિવેકબુદ્ધિ પણ ખોઈ બેઠું હોય એવું લાગે છે. દેશના મુખ્ય વિપક્ષ તરીકે હકારાત્મક ભૂમિકા ભજવવાના બદલે કોંગ્રેસ નરેન્દ્ર મોદી સરકારની સતત ટીકા કર્યા કરવાને જ પોતાની ફરજ માને છે ને તેમાં બુદ્ધિનું પ્રદર્શન કરી નાખે છે. 1 જુલાઈથી પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ એટલે કે યુનાઈટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ (યુએનએસસી)નું પ્રમુખ બન્યું એ મુદ્દે કોંગ્રેસે કરેલી ટીકા તેનો તાજો પુરાવો છે. એવી જ રીતે એ મોદીના વિદેશ પ્રવાસની ટીકા કરે ત્યારે લાગે કે તેણે બુધ્ધિનુ દેવાળુ ફુંકયું છે. પાકિસ્તાન યુએનએસસીનું પ્રમુખ બન્યું એ અંગે કોંગ્રેસે નરેન્દ્ર મોદી સરકારની ઝાટકણી કાઢી છે.
કોંગ્રેસનું કહેવું છે કે, યુએનએસસીના પ્રમુખપદે પાકિસ્તાનનું બેસવું મોદી સરકારની વિદેશ નીતિની નિષ્ફળતા છે. કોંગ્રેસના પ્રવક્તા રણદીપસિંહ સૂરજેવાલાના કહેવા પ્રમાણે, જમ્મુ અને કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાના થોડાક દિવસો પછી જ. પાકિસ્તાન યુએનએસસીનું પ્રમુખ બન્યું તેનો અર્થ એ થાય કે, આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું કંઈ ઊપજતું નથી. ન યુઅનઅસસાનુ પ્રમુખ બન્યું તેનો અર્થ એ થાય કે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું કંઇ ઉપજતું નથી. આ સમયગાળા દરમિયાન પાકિસ્તાન તાલિબાન મેનેજમેન્ટ કમિટીનું પ્રમુખપદ પણ સંભાળશે અને યુનાઈટેડ નેશન્સની આતંકવાદ વિરોધી સમિતિના ઉપપ્રમુખ તરીકે પણ કામ કરશે. કોંગ્રેસનું કહેવું છે કે, આતંકવાદને પોષનારા પાકિસ્તાનને હવે વૈશ્વિક સુરક્ષાનો ઠેકેદાર બનાવી દેવાયો છે અને શેતાનને સત્તા સોંપી દેવાઈ છે. પાકિસ્તાનને આટલું મહત્ત્વ મળ્યું તેને રોકવામાં મોદી સરકાર નિષ્ફળ રહી છે.
કોંગ્રેસની વાતો એ રીતે પણ બકવાસ છે કે, યુએનએસસી પ્રમુખપદમાં કશું કમાવાનું નથી ને આ હોદ્દો શોભાના ગાંઠિયા જેવો છે. યુએનએસસીના તમામ ઔપચારિક અને અનૌપચારિક બેઠકોના અધ્યક્ષસ્થાને હોય છે અને બેઠકનો એજન્ડા તેમના નામે નક્કી થાય છે પણ વાસ્તવમાં નિર્ણયો તો બધા વીટો પાવર ધરાવતા પાંચ દેશો જ લે છે. આ પાંચ દેશોમાંથી જેનો પ્રમુખ હોય તેનો નક્કી કરેલો એજન્ડા ચાલતો હોય છે. પાકિસ્તાન ચીનના ખોળામાં બેઠેલું છે એટલે અત્યારે ચીનનો એજન્ડા ચાલશે. આ સંજોગોમાં પાકિસ્તાન યુએનએસસીનું પ્રમુખ બની જાય તેમાં ભારતને કંઈ નુકસાન નથી ને પાકિસ્તાન કોઈ લાટા લઈ જવાનું નથી. કોંગ્રેસની નેતાગીરી એટલી ભોટ પણ નથી કે આ વાત તેને ના સમજાય છતાં આવા મુદ્દાને ચગાવીને હાસ્યાસ્પદ દેખાય છે. તેનું કારણ એ કે, કોંગ્રેસની નેતાગીરી પાસે દિશા નથી. મોદી સરકારને ક્યા મુદ્દે ઘેરવી તેની સમજ નથી કેમ કે કોંગ્રેસની નેતાગીરી મીડિયા અને સોશિયલ મીડિયાજીવી થઈ ગઈ છે. એર કન્ડિશન્ડ ઓફિસોમાં બેસીને મીડિયા કે સોશિયલ મીડિયામાં આવતા સમાચારોને આધારે જ રીએક્શન આપીને કોંગ્રેસની નેતાગીરી વિપક્ષ તરીકેની ભૂમિકા ભજવ્યાનો સંતોષ માને છે.