હરિયાણામાં કોંગ્રેસે 31 ઉમેદવાર જાહેર કર્યા, વિનેશ ફોગાટને જુલાણાથી ટિકિટ
પહેલવાન બજરંગ પુનિયાને કિસાન કોંગ્રેસના કાર્યકારી પ્રમુખની જવાબદારી
હરિયાણામાં પાંચ ઓક્ટોબરે યોજાનાર વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. આ યાદીમાં કોંગ્રેસે પોતાના 31 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. કોંગ્રેસે શુક્રવારે જ પાર્ટીમાં જોડાયેલા પહેલવાન વિનેશ ફોગાટને જીંદની જુલાના વિધાનસભાથી પોતાના ઉમેદવાર બનાવ્યા છે. આ ઉપરાંત પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાને ગઢી સાંપલા કિલોઈ વિધાનસભા બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. જ્યારે પહેલવાન બજરંગ પુનિયાને અખિલ ભારતીય કિસાન કોંગ્રેસના કાર્યકારી પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી છે.
આ પહેલાં શુક્રવારે થોડા કલાકો પહેલા જ ઓલિમ્પિયન પહેલવાન વિનેશ ફોગાટ અને બજરંગ પૂનિયાએ કોંગ્રેસમાં જોડાયા હતા. હવે હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં રેસલર વિનેશ ફોગાટને પાર્ટીએ ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. આવી સ્થિતિમાં વિનેશના મેદાનમાં પ્રવેશ સાથે સ્પર્ધા રસપ્રદ બની છે. અહીંથી 2019 માં, જેજેપી નેતા અમર જીત દાંડાએ ચૂંટણી લડી હતી અને 61942 મત મેળવ્યા હતા અને ભાજપને 37749 મત મળ્યા હતા અને જેજેપી 24193 મતોથી જીતી હતી. જેજેપી પાર્ટીએ 2019માં વિધાનસભાનું તાળું ખોલવાનું કામ કર્યું હતું અને સાડા ચાર વર્ષ સુધી ભાજપ સાથે ગઠબંધનમાં શાસન કર્યું હતું અને જેજેપી નેતા દુષ્યંત ચૌટાલા નાયબ મુખ્યમંત્રી બન્યા હતા. લોકસભા ચૂંટણીમાં સોનીપત લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર મોહન લાલ બરોલીને જુલાના વિધાનસભાથી લગભગ 25 હજાર મતોથી હારનો સામનો કરવો પડ્યો હતો.
ભાજપ જાહેર કરી ચૂકી છે ઉમેદવારોની યાદી: કોંગ્રેસ પહેલાં ભાજપ હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી ચૂકી છે. ભાજપે પોતાની પ્રથમ યાદીમાં 67 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. આમાં ભાજપે મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીને લાડવા વિધાનસભા બેઠક પરથી ટિકિટ આપી છે. આ ઉપરાંત પૂર્વ ગૃહમંત્રી અનિલ વિજને અંબાલા કેન્ટથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.