મહેન્દ્રસિંહ ધોની વિરુદ્ધ BCCIની એથિક્સ કમિટીમાં ફરિયાદ, 30મી સુધીમાં જવાબ માગ્યો
ધોની સામે મિહિર દિવાકર વિરુદ્ધ 15 કરોડની છેતરપિંડીનો મામલો
ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને લઈને એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ, મહેન્દ્ર સિંહ ધોની વિરુદ્ધ બીસીસીઆઇમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. યુપીનાં અમેઠીનાં રહેવાસી રાજેશ કુમાર મૌર્યએ મહેન્દ્ર સિંહ ધોની વિરુદ્ધ બીસીસીઆઇની એથિક્સ કમિટીમાં ફરિયાદ પત્ર દાખલ કર્યો છે. આ ફરિયાદ બીસીસીઆઇના નિયમ 39 હેઠળ નોંધવવામાં આવી છે.મીડિયા રિપોર્ટ અનુસાર, બીસીસીઆઇમાં કરવામાં આવેલી આ ફરિયાદ રાંચી સિવિલ કોર્ટમાં મહેન્દ્ર સિંહ ધોની વતી મિહિર દિવાકર વિરુદ્ધ રૂૂ. 15 કરોડની છેતરપિંડીનાં કેસ સંબંધિત છે. બીસીસીઆઇની એથિક્સ કમિટીએ આ મામલે મહેન્દ્ર સિંહ ધોની પાસેથી 30 ઓગસ્ટ સુધીમાં જવાબ માંગ્યો છે. બીજી તરફ રાજેશ કુમાર મૌર્યને પણ આ મામલે 16 સપ્ટેમ્બર સુધીમાં જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે.
આ મામલો પૂર્વ ક્રિકેટર મિહિર દિવાકર, સૌમ્ય દાસ અને અર્કા સ્પોર્ટ્સ મેનેજમેન્ટ પ્રા. લિ. સામે છેતરપિંડીના આરોપો સાથે સંબંધિત છે. મહેન્દ્ર સિંહ ધોની વતી રાંચીની સિવિલ કોર્ટમાં 15 કરોડ રૂપિયાની છેતરપિંડીનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. 20 માર્ચ 2024 ના રોજ આ મામલે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણયમાં, 20 માર્ચે સુનાવણી દરમિયાન, રાંચી સિવિલ કોર્ટે પ્રથમ દૃષ્ટિએ આ કેસને યોગ્ય ગણ્યો હતો. જે બાદ કોર્ટે આ કેસમાં મિહિર દિવાકર, સૌમ્ય દાસ અને અરકા સ્પોર્ટ્સ મેનેજમેન્ટ પ્રા. લિ. સામે સમન્સ જારી કરવાનો આદેશ આપ્યો હતો.