ચૂંટણી બોન્ડ ખરીદ્યા કંપનીઓએ, છાપવાનો અબજો રૂપિયાનો ખર્ચ ચૂકવ્યો દેશની જનતાએ
સુપ્રિમ કોર્ટના આદેશને પગલે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ જ્યારથી ઇલેક્ટોરલ બોન્ડઝ અંગેની માહિતી સાર્વજનિક કરી છે ત્યારથી રોજ સવાર પડેને અવનવી અને ચોંકાવનારી માહિતી બહાર આવી રહી છે. માત્ર ભારતનું જ નહીં પરંતુ દુનિયાનાં મોટા વસૂલી રેકેટ તરીકે કુખ્યાત થઈ ચૂકેલા ઇલેક્ટોરલ બોન્ડઝ અંગે હવે એક માહિતી એવી બહાર આવી છે જેને જાણીને તમેએમ જ કહેશો કે, આવું તો ઇન્ડિયામાં જ થાય ! નવી મળેલી માહિતી પ્રમાણે, ઈલેક્ટોરલ બોન્ડ સ્કીમ ચલાવતી ભારતીય સ્ટેટ બેંકે કમિશન તરીકે સરકાર પાસેથી લગભગ 12 કરોડ રૂૂપિયા (જીએસટી સહિત)ની માંગણી કરી છે, જેમાંથી કેન્દ્રની સરકારે 8.57 કરોડ રૂૂપિયા તો ચૂકવી પણ દીધા છે. મતલબ કે, ચુંટણી ભંડોળ માટેના બોન્ડ ખરીદનાર કોઈ વ્યક્તિ કે કંપનીને એક રૂૂપિયાનો પણ ઘસારો આવ્યો નથી. બીજી બાજુ રાજકીય પાર્ટીઓએ આ અબજો રૂૂપિયા વટાવી પણ લીધા. કરોડો રૂૂપિયાની લેતી-દેતી કરનારને કોઈ ખર્ચો આવ્યો નથી.
માત્ર એટલું જ નહીં પરંતુ બોન્ડ છાપનારી નાસિકની પ્રેસને પણ મોદીભાઈની સરકારે બે કરોડ ચૂકવી આપ્યા છે. સરકારે બોન્ડ માટે જે ખર્ચો કર્યો એ આપણાં ટેકસનાં રૂૂપિયા છે. સરળ શબ્દોમાં કહીએ તો, આ એક એવી ગુપ્ત યોજના હતી જેમાં છુપી રીતે કરોડો રૂૂપિયાનું દાન આપનાર કોઈપણ વ્યક્તિ અથવા કંપની પાસેથી કોઈ સર્વિસ ચાર્જ લેવામાં આવ્યો ન હતો. છેવટે જેને દેશની સર્વોચ્ચ અદાલતે ગેર બંધારણીય યોજના હોવાનું જાહેર કર્યું તેને ચલાવવા માટે લગભગ રૂૂ. 13.98 કરોડનો ખર્ચ જાહેર તિજોરીમાંથી એટલે કે ભારત દેશના કરદાતાઓ અથવા સાદા શબ્દોમાં કહીએ તો જનતાના નાણાંમાંથી કરવામાં આવ્યો હતો. જેને મોદી સરકાર છેવટ સુધી પારદર્શી હોવાનો દાવો કરતી રહી હતી.ચુંટણી બોન્ડની માહિતી જાણવા માટે આરટીઆઈ હેઠળ મળેલી માહિતીમાં કેટલીક રસપ્રદ બાબતો પણ પ્રકાશમાં આવી છે. જેમાંથી એવું ખબર પડે છે કે, સ્ટેટ બેંક ઓફ ઈન્ડીયા દ્વારા અત્યાર સુધી વેચાયેલા બોન્ડનું કુલ મૂલ્ય રૂૂ. 16,518 કરોડ હતું. આ વેચાયેલા બોન્ડમાંથી લગભગ 95 ટકા બોન્ડ રૂૂ. 1 કરોડના હતા. 30 તબક્કામાં વેચાયેલા બોન્ડમાંથી માત્ર રૂૂ. 25 કરોડના 219 બોન્ડ જ રાજકીય પક્ષો દ્વારા રોકડ કરવામાં આવ્યા નથી.સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર 25 કરોડ રૂૂપિયાની આ રકમ વડાપ્રધાન રાષ્ટ્રીય રાહત ફંડમાં જમા કરવામાં આવી હતી. બીજી ચોંકાવનારી બાબત સામે આવી છે કે, જ્યારે 2018 થી 2024 વચ્ચે કુલ 6,82,600 ઈલેક્ટોરલ બોન્ડ છપાયા હતા,ત્યારે વેચાયેલા ઈલેક્ટોરલ બોન્ડની સંખ્યા માત્ર 28,030 હતી.
જે કુલ છપાયેલા બોન્ડના માત્ર 4.1 ટકા હતી.