આસામમાં કોમી રમખાણો બેકાબૂ, દેખો ત્યાં ઠારનો સરકારનો આદેશ
ઇદના દિવસે મંદિર પાસે ગાયનું કપાયેલું માથું મળ્યા બાદ તોફાનો શરૂ થયા
આસામના ધુબરી શહેરમાં આવેલા એક હિન્દુ મંદિરની સામે માંસ ફેંકવાની ઘટનાના પ્રત્યાઘાતરૂૂપે કોમ રમખાણો ફાટી નીકળ્યાં છે. રાજ્ય સરકારે આ રમખાણો ડામવા માટે દેખો ત્યાંથી ઠારના હુકમો જારી કર્યાં છે. રાજ્યના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ શુક્રવારે ધુબરી શહેરની મુલાકાત લીધી હતી. તેમણે રમખાણો ફેલવનારા અસામાજિક તત્વોને આકરી ચેતવણી આપતાં જણાવ્યું હતું કે, અહીં શાંતિને ડહોળવા માટે કેટલાંક તત્વો હિંસા ફેલાવી રહ્યાં છે.
મેં પોલીસને આવા તત્વોને દેખો ત્યાંથી ઠાર કરવાનો હુકમ આપ્યો છે. જો કોઈ પત્થરમારો કરતાં દેખાશે અને પોલીસને તેમનું વર્તન શંકાસ્પદ જણાશે તો તેઓ ગોળીબાર કરશે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં સંપન્ન થયેલ ઈદના તહેવાર વખતે અહીંના એક હનુમાન મંદિર સામે ગાયનું કાપેલું માથું મળી આવતા કોમી રમખાણો ફાટી નીકળ્યાં હતાં. જેને પગલે અહીં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે રેપિડ એક્શન ફોર્સ તથા સીઆરપીએફની ટુકડીઓ તૈનાત કરાઈ હતી.