ખેડૂતોની સમસ્યાઓનો એક માત્ર ઉકેલ કૃષિક્ષેત્રનું સહકારીકરણ છે
પંજાબ-હરિયાણાની શંભુ બોર્ડર પર છેલ્લા સાત દિવસથી ડેરા નાંખીને બેઠેલા અને આંદોલન કરી રહેલા ખેડૂત સંગઠનોના નેતાઓને મનાવવા માટે મોદી સરકાર ભરચક પ્રયાસો કરી રહી છે. તેના ભાગરૂૂપે ખેડૂત સંગઠનના નેતાઓ અને કેન્દ્ર સરકાર વચ્ચે રવિવારે ચોથા રાઉન્ડની બેઠક મળી તેમાં મોદી સરકારે ચાર પાક પર મિનિમમ સપોર્ટ પ્રાઈસ (લઘુતમ ટેકાના ભાવ-એમએસપી) આપવાની દરખાસ્ત મૂકી છે. કેન્દ્ર સરકાર તરફથી ખેડૂતો સાથે વાત કરવા આવેલા કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલે કરેલી જાહેરાત પ્રમાણે, કેન્દ્ર સરકાર મકાઈ, કપાસ, તુવેર અને અડદ એમ ચાર પાક પર એમએસપી આપવા તૈયાર છે. ગોયલે એમએસપી માટે સરકાર કાયદો બનાવશે કે બીજું શું કરશે તેની સ્પષ્ટતા કરી નથી પણ તેમણે આપેલી વિગતો પ્રમાણે એમએસપી અંગેનો કાયદો બનાવવા કેન્દ્ર સરકાર તૈયાર નથી. કેન્દ્ર સરકાર આગામી પાંચ વર્ષ માટે ચારેય પાકની ખરીદી સહકારી મંડળીઓ દ્વારા કરવાની વ્યવસ્થા ગોઠવવા તૈયાર છે. આ વ્યવસ્થા હેઠળ નાફેડ અને એનસીસીએફ સાથે પાંચ વર્ષનો કરાર કરાશે અને બંને સંસ્થાઓએ પાંચ વર્ષ લગી ખેડૂતો પાસેથી સરકાર નક્કી કરે એ ભાવે આ ચારેય પાક ખરીદવાના રહેશે. કેન્દ્ર સરકારે જે દરખાસ્ત મૂકી છે એ ખેડૂતોની માગણીના સંદર્ભમાં બહુ નગણ્ય છે કેમ કે ખેડૂત સંગઠનો તો તમામ પાકો એમએસપી પર ખરીદવાનું ફરજિયાત કરાય એ માટે કાયદો બનાવવાની માગ કરી રહ્યા છે. ખેડૂત સંગઠનોની માગ છે કે સ્વામીનાથન કમિશનના રિપોર્ટના આધારે પાકના ભાવ નક્કી કરવામાં આવે અને સરકાર લેખિતમાં ખાતરી આપીને કાયદાકીય સ્વરૂૂપ આપે. ખેડૂત સંગઠનોએ મરચાં, હળદર અને અન્ય મસાલા માટે રાષ્ટ્રીય પંચની રચના કરવાની પણ માંગ કરી છે. ખેડુતોએ સરકારની ઓફર ફગાવી દીધી છે તે જોતાં કશું પણ થાગડથિગડ કરવાના બદલે ખેડૂતોની સમસ્યાઓનો કાયમી ઉકેલ લાવવાની જરૂૂર છે. આ કાયમી ઉકેલ લાવવા માટે પણ કશું ઝાઝું કરવાની જરૂૂર નથી. ખેડૂતો એમએસપી અંગે જેમની ભલામણોનો અમલ કરવાની વાત કરે છે એમ.એસ. સ્વામીનાથન સમિતિએ પોતાના રિપોર્ટમાં ખેડૂતોની સ્થિતિ સુધારવા શું કરવું તેની ભલામણો કરી હતી. એ પછી કોરોનાકાળ વખતે સ્વામીનાથને તમામ સમસ્યાઓનો કાયમી ઉકેલ કઈ રીતે આવી શકે તેની ફોર્મ્યુલા સૂચવી હતી. જરૂૂર આ ફોર્મ્યુલાનો તાત્કાલિક અમલ કરવાની છે, તેના માટેનું માળખું ઊભું કરવાની છે. સ્વામીનાથનનો મત હતો કે, ખેતીમાં પણ દૂધની જેમ સહકારી માળખું અપનાવાય તો ખેડૂતોની તમામ તકલીફો દૂર થઈ જાય.