ગોવા અગ્નિકાંડમાં ક્લબના માલિકો થાઇલેન્ડ ભાગી ગયા
ગોવાના પ્રખ્યાત ’બિર્ચ બાય રોમિયો લેન’ નાઈટ ક્લબમાં થયેલા અગ્નિકાંડ મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા છે. મુખ્ય આરોપી સૌરભ અને ગૌરવ લુથરા ઘટનાના પાંચ કલાક બાદ ભારતમાંથી ફરાર થઈ થાઈલેન્ડના ફૂકેટ ભાગી ગયા છે. ગોવા પોલીસે સમગ્ર મામલે નિવેદન આપતા કહ્યું કે હાલમાં આરોપીના ઠેકાણા અને વિદેશ ભાગી જવાની સમગ્ર પ્રક્રિયાની તપાસ ચાલી રહી છે.
પોલીસે વધુ વિગતો આપતા જણાવ્યું કે 7 ડિસેમ્બરની સાંજ સુધીમાં બંને શખ્સો સામે લુકઆઉટ સર્ક્યુલર (LOC) જાહેર કરી દેવામાં આવ્યો હતો. મુંબઈ ઇમિગ્રેશનનો સંપર્ક કરવામાં આવતા તેમને જાણવા મળ્યું કે બંને આરોપીઓ 7 ડિસેમ્બરના રોજ સવારે 5:30 વાગ્યે ઇન્ડિગોની ફ્લાઇટ 6E 1073માં ફુકેટ જવા રવાના થયા હતા. જેનાથી સ્પષ્ટ થયું કે બંને શખ્સ તપાસથી બચવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ગોવા પોલીસે બંને આરોપીઓને પકડવા માટે સીબીઆઈના ઇન્ટરપોલ વિભાગનો પણ સંપર્ક કર્યો છે. આંતરરાષ્ટ્રીય મદદ મળે તે માટે પણ ચક્રો ગતિમાન કર્યા છે. મહત્વનું છે કે ગોવાના બાઘા વિસ્તારમાં પ્રખ્યાત ’બિર્ચ બાય રોમિયો લેન’ નાઈટ ક્લબમાં 6 અને 7 ડિસેમ્બરની મધ્યરાત્રિએ ભયાનક આગ લાગી હતી જેમાં 25 લોકોના મોત થયા હતા.
ગોવાના ડીજીપી આલોક કુમારે કહ્યું કે, ‘અગ્નિકાંડની ઘટનામાં ચીફ જનરલ મેનેજર રાજીવ મોદક, જનરલ મેનેજર વિવેક સિંહ, બાર મેનેજર રાજવીર સિંઘાનિયા અને ગેટ મેનેજર પ્રિયંશુ ઠાકુરની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે ક્લબના માલિકો સૌરવ લૂથરા અને ગૌરવ લૂથરા વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે.’