પંજાબમાં આપ અને કોંગ્રેસના સમર્થકો વચ્ચે ઘિંગાણું-ગોળીબાર
ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ઉમેદવારી પત્રક દરમિયાન કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો વચ્ચે ઘર્ષણ થયું હતું, પોલીસે ગોળીબાર કરવો પડ્યો હતો અને બંને પક્ષો તરફથી ભારે પથ્થરમારો થયો હતો.
આ દરમિયાન કેટલાક વાહનોમાં તોડફોડ પણ કરવામાં આવી હતી. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કુલબીર સિંહ ઝીરા સહિત આઠ લોકો પથ્થરમારો અને ગોળીબારમાં ઘાયલ થયા છે, જેમાંથી એકની હાલત ગંભીર હોવાથી તેમને મેડિકલ કોલેજ, ફરીદકોટમાં રિફર કરવામાં આવ્યા છે.
મંગળવારે નગરની જીવન મલ સિનિયર સેક્ધડરી સ્કૂલ બોયઝ ખાતે 200 ગ્રામ પંચાયતો માટે ઉમેદવારી નોંધાવવા માટે સવારથી જ પંચ અને સરપંચના ઉમેદવારોની કતારો લાગી હતી. અથડામણની સંભાવનાને ધ્યાનમાં રાખીને, અહીં પહેલેથી જ મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા હતા.
પોલીસે કોંગ્રેસના કાર્યકરોને અટકાવતા જ આમ આદમી પાર્ટીના લોકો પણ પોલીસના સમર્થનમાં આગળ આવ્યા હતા, જેના કારણે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના લોકો વચ્ચે વિવાદ શરૂૂ થયો હતો. આ વિવાદ દરમિયાન જીરા સમર્થકોની ભીડ વચ્ચે મોગા તરફથી અચાનક એક ટ્રેક્ટર ટ્રોલી આવી હતી, આ ટ્રેક્ટર ટ્રોલીમાંથી અચાનક પથ્થરમારો શરૂૂ થયો હતો.
પોલીસે ટ્રેક્ટર ટ્રોલીને રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે પથ્થરમારો કરીને આગળ વધી હતી. ટ્રેક્ટર ટ્રોલી તો આગળ નીકળી ગઈ પરંતુ તે નીકળતા જ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તરફથી પથ્થરમારો શરૂૂ થયો. પરિસ્થિતિ કાબૂ બહાર જતી જોઈને પોલીસે સૌપ્રથમ વોટર કેનનનો ઉપયોગ કરીને પાણીનો છંટકાવ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મશીનમાં ખામી હોવાને કારણે તેમણે હવામાં ફાયરિંગ કર્યું હતું અને પથ્થરમારો કરતા લોકોને ભગાડી દીધા હતા.