છત્તીસગઢની દંતેવાડા-બીજાપુર બોર્ડર પર પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ, 9 નક્સલી ઠાર
છત્તીસગઢના દંતેવાડા-બીજાપુર જિલ્લાની સરહદ પર લોહાગાંવ પીડિયાના જંગલોમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. આ એન્કાઉન્ટરમાં 9 નક્સલવાદીઓ માર્યા ગયાના સમાચાર છે.
પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, નક્સલવાદીઓની પીએલજીએ કંપની નંબર 2 સાથે સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી. આ એન્કાઉન્ટરમાં જવાનોએ અત્યાર સુધીમાં 9 નક્સલીઓને ઠાર કર્યા છે. નક્સલીઓના મૃતદેહની સાથે ઘટનાસ્થળેથી SLR, 303 અને 12 બોરના હથિયારો પણ મળી આવ્યા છે. બીજાપુરના એસપી જિતેન્દ્ર યાદવે આ વાતની પુષ્ટિ કરી છે.
ઉલ્લેખનીય છે કે છત્તીસગઢમાં ફરી એકવાર નક્સલવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે 3 સપ્ટેમ્બર એટલે આજે સુરક્ષા દળો શોધખોળ માટે નીકળી રહ્યા હતા ત્યારે તેમને પશ્ચિમ બસ્તર વિભાગમાં માઓવાદીઓની હિલચાલ હોવાની માહિતી મળી હતી. આ પછી, મંગળવારે સવારે 10.30 વાગ્યે એન્કાઉન્ટર શરૂ થયું અને બંને પક્ષો તરફથી વચ્ચે-વચ્ચે ગોળીબાર થતો રહ્યો.
અગાઉ 29 ઓગસ્ટે પણ 'એન્ટી નક્સલ' ઓપરેશન હેઠળ નારાયણપુર-કાંકેર બોર્ડર પર નક્સલવાદીઓ અને પોલીસ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું. આ દરમિયાન સુરક્ષા દળોએ 3 નક્સલીઓને ઠાર કર્યા હતા.