MPના બાલાઘાટમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ, 4 મહિલા નક્સલવાદીનું એન્કાઉન્ટર
મધ્યપ્રદેશના બાલાઘાટ જિલ્લામાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઇ હતી. આ એન્કાઉન્ટરમાં ચાર મહિલા નક્સલવાદીઓને ઠાર કર્યા છે. આ એન્કાઉન્ટર ગઢી પોલીસ સ્ટેશન વિસ્તારના રૌંડા જંગલમાં થયું હતું, જે નક્સલ પ્રભાવિત વિસ્તાર છે. આ એન્કાઉન્ટરમાં પોલીસે નક્સલવાદીઓ પાસેથી ઘણા હથિયારો અને અન્ય સામગ્રી પણ જપ્ત કરી છે. પોલીસની આ કાર્યવાહીને મોટી સફળતા માનવામાં આવી રહી છે.
જણાવવામાં આવી રહ્યું છે કે પોલીસ અને હોક ફોર્સના જવાનો રોંડાના ગાઢ જંગલોમાં શોધખોળ કરી રહ્યા હતા. અચાનક જ નક્સલવાદીઓએ ઓચિંતો હુમલો કર્યો અને પોલીસ પર ફાયરિંગ શરૂ કરી દીધું. જવાનોએ તરત જ જવાબી કાર્યવાહી કરી, જેમાં ચાર મહિલા નક્સલવાદીઓ માર્યા ગયા. માર્યા ગયેલા નક્સલવાદીઓ પાસેથી એક ઇન્સાસ રાઇફલ, એક SLR રાઇફલ અને એક 303 રાઇફલ ઉપરાંત રોજિંદા ઉપયોગની ઘણી વસ્તુઓ મળી આવી હતી.
એન્કાઉન્ટર દરમિયાન અન્ય નક્સલવાદીઓ પણ ઘાયલ થયા હતા, જેઓ ગાઢ જંગલનો ફાયદો ઉઠાવીને ફરાર થઈ ગયા હતા. ઘાયલ નક્સલીઓની શોધ માટે પોલીસે જંગલમાં મોટાપાયે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. પોલીસે આ ઓપરેશનમાં હોક ફોર્સ, સીઆરપીએફ, કોબ્રા કમાન્ડો અને ડિસ્ટ્રિક્ટ ફોર્સની ટીમ સામેલ કરી હતી. એકંદરે, 12 થી વધુ ટીમો દ્વારા સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે, જેથી ફરાર નક્સલવાદીઓને પકડી શકાય.
મુખ્ય પ્રધાન ડૉ. મોહન યાદવે આ સફળતા માટે પોલીસને અભિનંદન આપ્યા અને કહ્યું, “મધ્ય પ્રદેશ સરકાર ટૂંક સમયમાં નક્સલ પ્રભાવિત વિસ્તારોમાંથી નક્સલવાદીઓનો સંપૂર્ણ સફાયો કરશે. "2026 સુધીમાં, રાજ્યના નક્સલ પ્રભાવિત જિલ્લાઓમાંથી નક્સલવાદ સંપૂર્ણ રીતે ખતમ થઈ જશે."
એન્કાઉન્ટરની માહિતી મળતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને સ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે કહ્યું કે આ કાર્યવાહી દરમિયાન ઘણા નક્સલવાદીઓ ઘાયલ થવાની સંભાવના છે, પરંતુ ગાઢ જંગલને કારણે તેમને પકડવું મુશ્કેલ છે.