પરંપરાના નામે બાળ વિવાહ મંજૂર નહીં: સુપ્રીમ
સુપ્રીમ કોર્ટે બાળ વિવાહને લઇને મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે સાથે જ ગાઇડલાઇન જારી કરીને કહ્યું છે કે બાળ વિવાહને કોઇ પણ વ્યક્તિગત કાયદાની પરંપરાઓ હેઠળ બાધિત ના કરી શકાય. એક એનજીઓ દ્વારા દાખલ જાહેર હિતની અરજી (પીઆઇએલ)માં આરોપ લગાવાયો છે કે બાળ વિવાહના કાયદાનો રાજ્યસ્તરે વ્યવસ્થિત અમલ નથી થઇ રહ્યો. જેને પગલે બાળ વિવાહના મામલા પણ વધી રહ્યા છે.
સુપ્રીમ કોર્ટે આ મામલામાં સમગ્ર દેશ માટે ગાઇડલાઇન જાહેર કરીને બાળ વિવાહને અટકાવવા તમામ રાજ્યોને ટકોર કરી છે. સુપ્રીમ કોર્ટે આ અરજીની સુનાવણી બાદ બાળ વિવાહ સામે ગાઇડલાઇન જારી કરતા કહ્યું છે કે માતા પિતા દ્વારા પોતાના કિશોર વયના પુત્ર કે પુત્રીઓની પુખ્ત વયના થાય તે પહેલા જ લગ્ન માટે સગાઇ કરાવવી તે સગીરોના જીવન સાથીને સ્વતંત્ર રીતે પસંદ કરવાના અધિકારોનું ઉલ્લંઘન છે.
આ ચુકાદો આપતા મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડે કહ્યું હતું કે બાળકોના લગ્ન અટકાવવા પર વધુ ધ્યાન આપવું જોઇએ બાળ વિવાહ કરાવનારા સામે જે દંડની કાર્યવાહી કરવાની થાય છે તે અંતિમ ઉપાય છે. દરેક સમુદાય માટે અલગ અલગ રણનીતિ તૈયાર કરવી જોઇએ, પોલીસ અધિકારીઓને આ માટે વિશેષ તાલિમ આપવી જોઇએ. લોકોમાં બાળ વિવાહ સામે જાગૃતિ લાવવી જરૂૂરી છે. બાળ વિવાહ સામેના કાયદાના અમલને કોઇ પણ પ્રકારના પર્સનલ લો કે પરંપરાઓથી અટકાવી ના શકાય.
મરજી મુજબના જીવનસાથીની પસંદગી કરવાની દરેકને સ્વતંત્રતા છે અને બાળ વિવાદ આ સ્વતંત્રતાનું ઉલ્લંઘન કરે છે. બાળ વિવાહ સામાજિક દૂષણ છે.મુખ્ય ન્યાયાધીશે કહ્યું હતું કે બાળ વિવાહ બાળકોને તેના બાળપણનો સંપૂર્ણ આનંદ લેવાથી વંચિત રાખે છે. જે બાળકીઓના ગેરકાયદે લગ્ન કરી દેવાય છે તે પોતાના માતા પિતાથી તેમજ પરિવારના માહોલથી અલગ રહેવા મજબૂર થાય છે. આવી બાળકીઓને બાદમાં તેમના સાસરિયાની દયા પર છોડી દેવામાં આવે છે. બાદમાં તેના પર જવાબદારીઓનો બોજ નાખવામાં આવે છે.
2019-21ના રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણના રિપોર્ટમાં સામે આવ્યું છે કે 18 વર્ષથી ઓછી વયની 23.3 ટકા સગીરાઓ અને 21 વર્ષથી ઓછી વયના 17.7 ટકા સગીરો બાળ વિવાહ કરે છે. બેન્ચે કહ્યું કે અધિકારીઓએ અપરાધીઓને સજા આપતી વખતે બાળ લગ્ન અટકાવવા અને સગીરોની સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તેમને ખબર હોવી જોઈએ કે બાળ લગ્ન નિષેધ કાયદો 2006 થી બાળ લગ્ન રોકવા અને સમાજમાંથી તેને નાબૂદ કરવા માટે લાવવામાં આવ્યો હતો. આ અધિનિયમ 1929 ના બાળ લગ્ન પ્રતિબંધ કાયદાનું સ્થાન લે છે.