રખડતા કૂતરાના મુદ્દે ચીફ સેક્રેટરી સુપ્રીમ કોર્ટમાં હાજર
રખડતા કૂતરાની વસ્તીને નિયંત્રિત કરવા અને સંબંધિત ઘટનાઓને રોકવા માટે લેવાયેલા પગલાં અંગે વારંવાર નિર્દેશો આપવા છતાં ગુજરાત સરકાર એફિડેવિટ (સોગંદનામું) રજૂ કરવામાં નિષ્ફળ રહેતા સુપ્રીમ કોર્ટે સોમવારે રાજ્યના નવા નિયુક્ત મુખ્ય સચિવ એમ.કે. દાસને વ્યક્તિગત રીતે હાજર થવા માટે સમન્સ પાઠવ્યું હતું અને તેઓ હાજર રહ્યા હતા. જોકે, બાદમાં રાજ્ય સરકાર દ્વારા એફિડેવિટ ફાઇલ કરવામાં આવતા, તેમને આગામી સુનાવણી માટે હાજર રહેવામાંથી મુક્તિ આપવામાં આવી હતી.
અગાઉ, સર્વોચ્ચ અદાલતે તમામ રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોને 27 ઑક્ટોબર સુધીમાં રખડતા કૂતરાઓની વસ્તી નિયંત્રણ અને સંબંધિત ઘટનાઓ અટકાવવા માટે લેવાયેલા પગલાંની વિગતવાર એફિડેવિટ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો. જોકે, ગુજરાત સહિત અન્ય ઘણા રાજ્યો આ નિર્દેશનું પાલન કરવામાં નિષ્ફળ રહ્યા હતા, જેના કારણે કોર્ટે કડક પ્રતિક્રિયા આપી હતી.
બિન-પાલનની ગંભીર નોંધ લેતા, સુપ્રીમ કોર્ટે અવલોકન કર્યું કે તેના અગાઉના આદેશોની અવગણના કરવામાં આવી છે અને કેટલાક રાજ્યોએ જરૂૂરી માહિતી રજૂ કરી નથી. અત્યાર સુધીમાં માત્ર પશ્ચિમ બંગાળ, તેલંગાણા અને દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જ એફિડેવિટ દાખલ કરવામાં આવી છે, જ્યારે ગુજરાત સહિત બાકીના રાજ્યોએ આદેશનું પાલન કર્યું ન હતું. સોમવારની સુનાવણી દરમિયાન, તાજેતરમાં જ રાજ્યના વહીવટનો હવાલો સંભાળનાર મુખ્ય સચિવ એમ.કે. દાસ બેન્ચ સમક્ષ વ્યક્તિગત રીતે હાજર થયા હતા.