ચીફ જસ્ટિસ અન્ય ન્યાયાધીશો કરતાં વરિષ્ઠ નથી: ઈડીની અરજીના સંદર્ભમાં ગવઈની ટકોર
ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) બીઆર ગવઈએ મંગળવારે સ્પષ્ટ કર્યું કે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ અન્ય ન્યાયાધીશો કરતા વરિષ્ઠ નથી અને તેમની પાસે અન્ય ન્યાયાધીશો જેટલી જ ન્યાયિક સત્તાઓ પણ છે. તેમણે આ ટિપ્પણી ત્યારે કરી જ્યારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ની એક અરજી પર સુનાવણી ચાલી રહી હતી. એજન્સીએ 26 એપ્રિલ 2023 ના રોજ આપેલા રિતુ છાબરિયા વિરુદ્ધ ભારત સંઘ કેસના નિર્ણયને પાછો ખેંચવાની વિનંતી કરી હતી.
એપ્રિલ 2023 માં, ન્યાયાધીશ કૃષ્ણ મુરારી અને સીટી રવિકુમારની બેન્ચે તપાસ એજન્સીઓ દ્વારા તપાસ પૂર્ણ થાય તે પહેલાં ચાર્જશીટ દાખલ કરવાની પ્રથાની નિંદા કરી હતી જેથી આરોપીઓને ડિફોલ્ટ જામીન ન મળે. ચુકાદામાં કહેવામાં આવ્યું હતું કે જો ચાર્જશીટ અધૂરી હોય અને તપાસ ચાલુ હોય, તો પણ આરોપીનો ડિફોલ્ટ જામીનનો અધિકાર ગુમાવવામાં આવશે નહીં.કાયદા અનુસાર, ટ્રાયલ કોર્ટમાં સુનાવણીપાત્ર કેસોમાં ધરપકડના 60 દિવસની અંદર અને સેશન્સ કોર્ટમાં સુનાવણીપાત્ર કેસોમાં 90 દિવસની અંદર ચાર્જશીટ દાખલ કરવી આવશ્યક છે. નહિંતર, આરોપી ડિફોલ્ટ જામીન માટે હકદાર છે.
ચુકાદાના થોડા દિવસો પછી, ED એ તત્કાલીન CJI DY ચંદ્રચુડની બેન્ચને કહ્યું કે આ નિર્ણયના આધારે, દિલ્હી હાઈકોર્ટે એક આરોપીને જામીન આપ્યા છે અને તેની દેશવ્યાપી અસર પડશે. 12 મે, 2023 ના રોજ, સુપ્રીમ કોર્ટે આ નિર્ણયની અસર પર કામચલાઉ સ્ટે મૂક્યો.
મંગળવારે સુનાવણી દરમિયાન, CJI ગવઈએ કહ્યું, જ્યારે સુપ્રીમ કોર્ટના બે ન્યાયાધીશોની બેન્ચ કોઈ રાહત આપે છે, ત્યારે શું સમાન સ્તરની કોઈ અન્ય બેન્ચ તે નિર્ણય પર અપીલ સાંભળી શકે છે?
તે પણ એટલા માટે કે તે બેન્ચ કોર્ટ નંબર 1 માં બેસે છે. ન્યાયિક શિષ્ટાચાર અને શિસ્તનું પાલન કરવું જોઈએ. મુખ્ય ન્યાયાધીશ સાથે જોડાયેલી બેન્ચ કોર્ટ નંબર 1 માં બેસે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારતના મુખ્ય ન્યાયાધીશ અન્ય ન્યાયાધીશો કરતા શ્રેષ્ઠ નથી. તેમની પાસે અન્ય ન્યાયાધીશો જેટલી જ ન્યાયિક સત્તાઓ છે.
તુષાર મહેતાએ અનેક આરોપો લગાવ્યા હતા
સોલિસિટર જનરલ તુષાર મહેતાએ આરોપ લગાવ્યો હતો કે રીતુ છાબરિયા કેસમાં કોર્ટના અધિકારનો દુરુપયોગ થયો હતો. તેમણે કહ્યું કે મૂળ અરજી ફક્ત જેલમાં પતિને ઘરે રાંધેલું ભોજન આપવાની પરવાનગી માટે હતી, પરંતુ બાદમાં તેમાં ડિફોલ્ટ જામીન માટેની અરજી ઉમેરવામાં આવી હતી. મહેતાના જણાવ્યા મુજબ, બે ન્યાયાધીશોની બેન્ચે કહ્યું કે જો ઈઙિઈ ની કલમ 173(8) હેઠળ અધૂરી ચાર્જશીટ દાખલ કરવામાં આવે છે, તો ડિફોલ્ટ જામીન મંજૂર કરવામાં આવશે. જો કે, આ ઘણા મોટા ચુકાદાઓથી વિપરીત છે. આ કારણે, દેશભરના આરોપીઓએ આ આધારે ડિફોલ્ટ જામીનની માંગણી શરૂૂ કરી.