જલગાંવમાં મંત્રીની કારે યુવકને ઠોકર માર્યા પછી બબાલ
સમગ્ર વિશ્વ નવા વર્ષની ઉજવણીમાં વ્યસ્ત છે ત્યારે મહારાષ્ટ્રના જલગાંવમાં બે જૂથો વચ્ચે ઉગ્ર અથડામણ થઈ હતી. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે પથ્થરમારો અને આગચંપી પણ થઈ. જેના કારણે પોલીસે આ વિસ્તારમાં 24 કલાક માટે કર્ફ્યુ લગાવી દીધો છે.
હિંસાની આ ઘટના જલગાંવમાં મંગળવાર, 31 ડિસેમ્બરે રાત્રે 9:30 વાગ્યાની આસપાસ બની હતી અને ટોળાએ ઘણી દુકાનો અને વાહનોને આગ ચાંપી હતી અને પથ્થરમારો કર્યો હતો. જોકે, પોલીસનું કહેવું છે કે હવે સ્થિતિ કાબૂમાં છે.
જલગાંવના કલેક્ટર આયુષ પ્રસાદે કહ્યું કે સાવચેતીના પગલા તરીકે કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. કલેકટરે જણાવ્યું હતું કે રોડ રેજની એક પ્રકારની ઘટના બાદ બંને જૂથો વચ્ચે સંઘર્ષ શરૂૂ થયો હતો. હિંસક ટોળાએ દુકાનોને આગ ચાંપવાનો અને વાહનોને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો.
આયુષ પ્રસાદે કહ્યું કે પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી. આ અથડામણમાં કેટલાક લોકોને સામાન્ય ઈજાઓ થઈ છે. સવારે 3 વાગે 24 કલાક માટે કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો, ત્યારબાદ સ્થિતિ નિયંત્રણમાં છે.
મળતી માહિતી મુજબ, મહાયુતિ સરકારમાં મંત્રી અને શિવસેનાના નેતા ગુલાબરાવ પાટીલના પાલધી ગામની છે. શિવસેના શિંદે જૂથના મંત્રી ગુલાબરાવ પાટીલની કાર તેમની પત્ની અને પરિવારના સભ્યોને લઈને જઈ રહી હતી. ગામના એક યુવકને કારે ટક્કર મારી અને થોડી જ વારમાં લોકોનું ટોળું ભેગું થઈ ગયું.
આ ટક્કર બાદ લોકો ગુસ્સે થઈ ગયા અને કાર ચાલકને ગાળો આપવા લાગ્યા.મંત્રી ગુલાબરાવ પાટીલની પત્ની કારમાં હોવાથી કેટલાક શિવસૈનિકો તેમની સાથે દુર્વ્યવહાર કરી રહેલા લોકો સાથે બોલાચાલીમાં ઉતર્યા હતા. આ પછી બંને જૂથો એકબીજા સાથે અથડાયા અને અહીંથી પથ્થરમારો અને આગચંપીનો બનાવ પ્રકાશમાં આવ્યો.
ટોળાએ મંત્રી ગુલાબરાવ પાટીલની પત્નીને લઈ જઈ રહેલી કારના ડ્રાઈવરને માર માર્યો હતો અને કારની તોડફોડ પણ કરી હતી. મામલો શાંત ન થયો પરંતુ થોડી જ વારમાં ભીડે પથ્થરમારો અને આગચંપી શરૂૂ કરી દીધી. એક ડઝનથી વધુ દુકાનોને આગ ચાંપી દેવામાં આવી હતી અને છ વાહનો પણ બળી ગયા હતા.