કેન્દ્ર સરકારે બ્રોડકાસ્ટિંગ બિલ અટકાવ્યું, હવે નવો ડ્રાફટ રજૂ કરશે
હિતધારકો સાથે વિચાર-વિમર્શ કરવાનું વલણ
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે સંસદના વર્તમાન સત્રમાં બ્રોડકાસ્ટિંગ રેગ્યુલેશન બિલનો પ્રસ્તાવ મૂક્યો હતો. ડિજિટલ ન્યૂઝ પબ્લિશર્સ અને ઇંડિવિજુઅલ ક્ધટેન્ટ ક્રિએટર્સ આ બિલનો વિરોધ કરી રહ્યા હતા. હવે અચાનક સરકારનું વલણ બદલાયું છે. કેન્દ્ર સરકારે બ્રોડકાસ્ટિંગ બિલ 2024 હોલ્ડ પર રાખ્યુ છે. વિસ્તૃત ચર્ચા બાદ નવો ડ્રાફ્ટ રજૂ કરવામાં આવશે. સૂચના અને પ્રસારણ મંત્રાલયએ ગયા વર્ષે નવેમ્બરમાં નવા બ્રોડકાસ્ટિંગ રેગ્યુલેશન બિલનો મુસદ્દો તૈયાર કર્યો હતો.
આ બિલના ડ્રાફ્ટ પર પબ્લીક કોમેન્ટની અંતિમ તારીખ 15 જાન્યુઆરી 2024 હતી. આ બિલનો બીજો ડ્રાફ્ટ આ વર્ષે જુલાઈમાં તૈયાર કરવામાં આવ્યો હતો, જેનો પ્રસ્તાવ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે સંસદના વર્તમાન સત્રમાં રજૂ કર્યો હતો.
ડિજિટલ ન્યૂઝ પબ્લિશર્સ અને ઇંડિવિજુઅલ ક્ધટેન્ટ ક્રિએટર્સ આ બિલનો વિરોધ કરી રહ્યા હતા.સૂચના અને પ્રસારણ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, અમે બ્રોડકાસ્ટિંગ સર્વિસ (રેગ્યુલેશન) બિલના ડ્રાફ્ટ પર કામ કરી રહ્યા છીએ. આ બિલનો ડ્રાફ્ટ 10 નવેમ્બર 2023ના સાર્વજનિક ડોમેનમાં હિતધારકો અને સામાન્ય જનતાની ટિપ્પણીઓ માટે મૂકવામાં આવ્યો હતો. અમને વિવિધ હિતધારકો તરફથી અસંખ્ય ભલામણો, ટિપ્પણીઓ અને સૂચનો પ્રાપ્ત થયા છે. મંત્રાલય બિલના ડ્રાફ્ટ પર હિતધારકો સાથે તબક્કાવાર વિચાર વિમર્સ કરી રહ્યું છે. સૂચનો અને ટિપ્પણીઓ માટે 15 ઓક્ટોબર, 2024 સુધી વધારાનો સમય આપવામાં આવી રહ્યો છે.
વિગતવાર વિચાર-વિમર્શ બાદ બિલનો નવો ડ્રાફ્ટ પ્રકાશિત કરવામાં આવશે.બ્રોડકાસ્ટિંગ બિલના વર્તમાન ડ્રાફ્ટ અનુસાર ડિઝિટલ કે ઓટીટી પ્લેટફોર્મ જેવા કે યુટ્યુબ, એક્સ (ટ્વિટર), ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, નેટફ્લિક્સ, પ્રાઇમ વિડિયો પર પ્રસારિત ક્ધટેટને સરકાર નિયંત્રિત કરવા જઈ રહી હતી. ડ્રાફ્ટની જોગવાઈઓ જણાવે છે કે ડિજિટલ પ્લેટફોર્મ પર સમાચાર પ્રસારિત કરનારા પ્રકાશકોને પડિજિટલ ન્યૂઝ બ્રોડકાસ્ટર્સથ તરીકે ઓળખવામાં આવશે. ડ્રાફ્ટમાં ડિજિટલ બ્રોડકાસ્ટર્સ માટે નવી નિયમનકારી સંસ્થા બ્રોડકાસ્ટિંગ ઑથોરિટી ઑફ ઈન્ડિયા બનાવવાનો પ્રસ્તાવ હતો. આ ઉપરાંત પ્રસારણ બિલના ડ્રાફ્ટમાં સ્વ-નિયમન માટે દ્વિ-સ્તરીય સિસ્ટમ બનાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. સેલ્ફ રેગ્યુલેશન માટે દ્વિ-સ્તરીય પ્રણાલીનું પાલન કરવામાં ન આવે તો સરકારના હસ્તક્ષેપ માટે ડ્રાફ્ટમાં જોગવાઈ હતી.