સેલિબ્રિટી પર હુમલાના બનાવ કે વધતી-વ્યાપક ગુનાખોરી: સુરક્ષિત શહેરના ધોરણો કયા?
હિંદી ફિલ્મોના જાણીતા અભિનેતા સૈફ અલી ખાન પર બુધવારે રાત્રે લગભગ 2:30 વાગ્યે મુંબઈના ખાર સ્થિત ઘરે છરી વડે હુમલો કરવામાં આવ્યો એ ઘટનાએ ખળભળાટ મચાવ્યો છે. હુમલાખોરે સૈફની ગરદન, પીઠ, હાથ અને માથા પર છરીના છ ઘા માર્યા હતા ને આ ઘટના બની ત્યારે અડધી રાત હતી તેથી ઘરે કોઈ હાજર નહોતું. સૈફનો દીકરો ઈબ્રાહીમ લોહી નિંગળતી હાલતમાં સૈફને વહેલી સવારે 3:30 વાગ્યે લીલાવતી હોસ્પિટલમાં લઈ ગયો અને સદનસીબે તેની તાત્કાલિક સારવાર કરવામાં આવી તેથી કશું ના થયું. જો કે સૈફની ઈજા ગંભીર હોવાથી તેના પર સર્જરી કરવી પડી. લીલાવતી હોસ્પિટલના ચીફ ઓપરેટિંગ ઓફિસર ડો. નીરજ ઉત્તમાણીએ આપેલી માહિતી પ્રમાણે, સૈફ પર છ વખત છરી વડે હુમલો કર્યો હતો અને તેમાંથી બે ઘા ઊંડા હતા.
આ પૈકી એક ઘા કરોડરજજુની નજીક થયો હતો તેથી ઓપરેશન કરવું પડ્યું. આ ઓપરેશન સફળ થતાં સૈફ ખતરાથી બહાર છે તેથી તેના ચાહકોને હાશકારો થયો છે પણ આ હુમલાના કારણે રાજકીય આક્ષેપબાજી પણ શરૂૂ થઈ ગઈ છે. હમણાં દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીનો જંગ ચાલે છે અને ભાજપ તથા આમ આદમી પાર્ટી વચ્ચે બરાબર જામેલી છે. મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર છે તેથી આમ આદમી પાર્ટીના મુખિયા અરવિંદ કેજરીવાલે તક ઝડપીને જાહેર કરી દીધું કે, ભાજપ મોટી મોટી વાતો કરે છે પણ દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થા જાળવી શકતો નથી. હવે મુંબઈમાં ભાજપની સરકાર છે તો મુંબઈ પણ અસુરક્ષિત શહેર બની ગયું છે.
ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ પણ આ વાતમાં સૂર પુરાવ્યો છે અને બીજા વિપક્ષો પણ મચી પડ્યા છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સ્વાભાવિક રીતે જ બચાવમાં ઉતર્યા છે. ફડણવીસના કહેવા પ્રમાણે, સૈફ અલી ખાન પર થયેલા હુમલાના આધારે મુંબઈને અસુરક્ષિત શહેર” ન કહી શકાય. બાંદ્રામાં સૈફ અલી ખાન પર થયેલો હુમલો ગંભીર ઘટના છે પણ માત્ર એક ઘટનાના આધારે મુંબઈ શહેર અસુરક્ષિત છે એમ કહેવું ખોટું છે. મુંબઈ ભારતનું મેગાસિટી છે અને સૌથી સુરક્ષિત શહેર છે. દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થાની જવાબદારી કેન્દ્ર સરકારની છે તેથી કેજરીવાલ દિલ્હીની ચૂંટણીમાં દિલ્હીમાં સુરક્ષા નથી એ મુદ્દો ઉઠાવે એ સમજી શકાય પણ મુંબઈને અસુરક્ષિત શહેર ગણાવે એ વધારે પડતું છે. રાજકારણમાં આક્ષેપબાજી થયા કરતી હોય છે ને ચૂંટણી ટાણે વધારે થાય છે પણ તેના કારણે બીજા શહેરને બદનામ કરવું યોગ્ય નથી. મુંબઈ તો દેશનાં બીજાં મોટાં શહેરોની સરખામણીમાં પહેલાં પણ વધારે સુરક્ષિત હતું ને આજે પણ વધારે સુરક્ષિત છે જ.